Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ડેડીયાપાડાના રોજધાટ ગામે નરેગા હેઠળ કરેલા કામના બે વર્ષથી મજુરીના નાણાં ન ચૂકવાતા રોષ:ઉચ્ચ કક્ષાએ રજુઆતની ચીમકી

તહેવારની ઉજવણી કરવા મજુરીના નિકળતા નાણાં ચુકવવામાં પણ કામદારોની રજુઆત કોઈ સાંભળતું નથી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડાના રોજધાટ ગામે નરેગા હેઠળ રસ્તા અને નાળાની કરેલી કામગીરી બાદ મજુરીના નાણાં ચુકવવા બાબતે તલાટી,સરપંચ, ટીડીઓ અને નરેગાના અધિકારીઓને અનેકવાર રજુઆતો કરી છતાં ગરીબ આદિવાસીઓની મજુરીના નાણાં મળ્યા ન હોવાની બુમ ઉઠી છે.આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી હોય તહેવારની ઉજવણી કરવા મજુરીના નિકળતા નાણાં ચુકવવામાં પણ કામદારોની રજુઆત કોઈ સાંભળતું નથી.
  નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોજધાટ ગામે નરેગા યોજના હેઠળ સન ૨૦૧૭-૧૮મા રસ્તા ,નાળાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે નાળાની કામગીરી ના કામમા સ્થાનિક ૩૦થી ૪૦ ગરીબ આદિવાસી મજૂરો જોડાયા હતા આ મજૂરો પોતાના મજુરીના નાણાં માટે બે વષૅથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. છતાં અધિકારીઓની ઊંઘ ઊડતી નથી ત્યારે જિલ્લાના રાજકીય આગેવાનો નરેગા યોજના હેઠળ કરેલી કાળી મજુરીના નાણાં અપાવવા તેમની મદદ કરે તેવી માંગ ઉઠી છે.
 ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમની મજુરીના નાણાં નહીં ચુકવાઈ તો આગામી દિવસોમાં તેઓ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી તપાસ એજન્સી મારફતે નરેગમાં ચાલતા કામોની તપાસ કરાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારતા સરકારી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

(7:24 pm IST)