Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કલોલના કલ્યાણપુર વિસ્તાર નજીક સોસાયટીમાં પ્લાસ્ટિકના કચરાની વખારમાં આગ ભભૂકતા અફડાતફડી મચી જવા પામી

કલોલ: શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં વિરમાયા સોસાયટીની નજીક પ્લાસ્ટિકના કચરાની વખાર આવેલી ખુલ્લી જગ્યામાં ખૂબ જ પ્લાસ્ટિકનો છુટો છવાયો ભંગાર ઠાલવવામાં આવ્યો છે. ત્યારે આજે પ્લાસ્ટિકના આ ઢગલામાં ભીષણ આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં રહેતા સોસાયટીઓના રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. પ્લાસ્ટિક સળગતું હોવાથી આગ વધુ પજરી હતી.

ત્યારે સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કોલ કરતા કલોલનું ફાયર તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું. પ્રથમ ફાયર ટેન્કનું પાણી ખાલી થઇ ગયું છતાં પણ હોલવાઇ ન હોતી. જેથી બીજુ ફાયર ટેન્ક મંગાવી પાણીનો સતત મારો ચલાવાયો હતો. તેમ છતાં આગ નહીં હોલવાતા વધુ બે નાના ફાયર ટેન્ક મંગાવાયા હતા અને સતત પાણીનો મારો ચાલુ રાખી આગ હોલવી હતી. ફાયર સ્ટાફે સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. જેથી સ્થાનિક લોકોએ પણ રાહતનો દમ લીધો હતો.

(5:49 pm IST)