Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

નવસારી જિલ્લાના ગલકુંડ રેન્‍જના અંજનીકુંડ ગામ પાસે ખેડૂત ઉપર દિપડાનો હૂમલોઃ સામે ખેડૂતે લાકડી મારતા દિપડાનું મોત

નવસારી :દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. ડાંગના જંગલમાં દીપડાના હુમલામાં ખેડૂત ઘાયલ થયા છે. જંગલમાં બળદ ચરાવવા ગયેલા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો, જેના બચાવમાં ખેડૂતે લાકડીનો સપાટો મારતા દીપડાનું મોત નિપજ્યું છે. તો ખેડૂતને ગંભીર ઇજા થતાં આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. વન વિભાગે દિપડાનું પીએમ કરી અંતિમક્રિયા કરી હતી. આ ઘટનાને લઈ વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

દક્ષિણ ગુજરાતમાં દિવસેને દિવસે દીપડાનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. ગલકુંડ રેન્જના અંજનીકુંડ ગામ પાસે જંગલમાં બનેલની આ ઘટના છે. ત્યારે નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામે વહેલી સવારે પોતાના ભીંડાના ખેતરમાં પાણી મૂકવા ગયેલા રમેશભાઈ પટેલ નામના ખેડુત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં રમેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. રમેશભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખેડુતને તેના ઘરે જવા દેવામાં આવ્યા હતા. સાથે જ વનવિભાગની ટીમે પણ સ્થળ ઉપર પહોંચીને ઈજાગ્રસ્ત ખેડૂતની મુલાકાત લીધી હતી.

દીપડાઓ જંગલ છોડીને હવે માનવ વસ્તી તરફ આવી ચઢ્યાં છે. ત્યારે સરકાર દ્વારા રાત્રિ સમયે વીજળી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ બારતાડ ગામે અગાઉ પણ દીપડા દ્વારા ગામલોકો પર હુમલો કરવામાં આવી ચૂક્યા છે અને આ ગામમાં અવાર નવાર દીપડા લોકોને જોવા મળે છે.

દીપડાએ ખેડુત પર હુમલો કર્યો હોવાની જાણ વાંસદા વનવિભાગને થતા વાંસદા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી જઈ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યુ હતું. સાથે જ વાંસદા તાલકામાં 43 જેટલા દીપડા હોવાનું વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

(4:36 pm IST)