Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સુરતમાં રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે રત્ન કલાકાર સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ-ધરણા-હડતાલ

સુરત :રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા સહિત વિવિધ માંગણીઓને લઈ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્નકલાકાર સંઘ પ્રતિક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડવા માટે જઈ રહ્યું છે. રાજ્ય સરકારમાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ રત્ન કલાકારોની માંગણીને ધ્યાનમાં લેવાઈ નથી. આ કારણે સુરત રત્નકલાકાર સંઘ દ્વારા હડતાળ આ અંગે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા હાલ જ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બજેટની અંદર રત્ન કલાકારોની માંગણી અને રજૂઆતોને ધ્યાને લેવામાં આવી નથી. રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા તેમજ વિવિધ પડતર માંગણીઓ અંગે છેલ્લા પાંચ-પાંચ વર્ષથી સુરત રત્ન- કલાકાર સંઘ રાજ્ય સરકારમાં રજૂઆત કરતું આવ્યું છે. હાલ જ બજેટ રજૂ થવા પહેલા સંઘ દ્વારા રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરાઈ હતી કે, બજેટમાં રત્ન કલાકારોના પડતર પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે. પરંતુ તેમ છતાં સંઘની રજૂઆત ધ્યાને લેવામાં આવી ન હતી. જ્યાં આખરે હવે સંઘ દ્વારા હડતાળ, ધરણાં સહિત પ્રતીક ઉપવાસની રણનીતિ ઘડી નાખવામાં આવી છે.

આગામી 15 અને 17 માર્ચના રોજ વરાછા સરદાર પ્રતિમા ખાતે ધરણા તેમજ પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, 16મી માર્ચના રોજ એક દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો સ્વયંભૂ જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત આજ રોજ સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ માં સંઘ દ્વારા કરવામાં આવી છે.

(4:35 pm IST)