Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પોસ્ટ વિભાગમાં દસ વર્ષ સુધી નિષ્ક્રિય રહેલા ખાતાં બંધ કરાશે

મર્યાદિત સમયમાં ખાતાધારકો દાવો કરવામાં નિષ્ફળ જશે તો ખાતું સીઝ થશે

અમદાવાદ તા. ર૮: પોસ્ટ વિભાગ હવે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલાં ખાતાં બંધ કરવા જઇ રહ્યું છે. જેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે પોસ્ટ ઓફિસની અધિકૃત વેબસાઇટમાં સિનિયર સિટીઝન વેલફેર ફંડનાં મથાળાં હેઠળ ૧૦ વર્ષથી વધારે સમય સુધી નિષ્ક્રિય રહ્યાં હોય તેવાં ખાતાંની યાદી મૂકવામાં આવી છે, જેમાં એક માત્ર અમદાવાદ શહેરમાં જ આવાં હજારો ખાતાં આ રીતે કોઇ પણ પ્રકારની લેવડદેવડ વગર નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું છે. યાદીમાં પોતાનાં ખાતાંનુ નામ જાહેર થયું હોય તે ખાતાના ધારકે પોતાનાં ખાતાં પર દાવો રજૂ કરવાનો રહેશે. જો તેમાં તે નિષ્ફળ રહેશે તો તેનું ખાતું સરકાર દ્વારા સીઝ કરી દેવાશે.

પોસ્ટ વિભાગ દ્વારા www. indiapost.gov.in પર નિષ્ક્રિય ખાતાંઓની વિગતો મૂકવામાં આવી છે. આ વેબસાઇટ પર મેનુમાં બેન્ક એન્ડ રેમિટન્સમાં જઇ તેમાં સિનિયર સિટીઝન વેલફેર ફંડ પર કિલક કરતાં જ વિવિધ સ્કિમમાં નિષ્ક્રિય રહેલાં ખાતાંઓની વિગત અપાઇ છે. જેમાં સેવિંગ એકાઉન્ટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, મંથલી ઇનકમ સ્કિમ, રિકરિંગ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ, વગેરેનો સમાવેશ થાય છે. વેબસાઇટમાં આપેલી યાદીના આધારે  PPF, મંથલી ઇન્કમ સ્કિમમાં પ૦૦ કરતાં પણ વધારે ખાતાં જયારે રિકરિંગ ડિપોઝિટમાં ૩૦૦ કરતાં વધારે ખાતાં અમદાવાદનાં છે. જે ૧૦ વર્ષ કરતાં વધારે સમયથી નિષ્ક્રિય છે.

(3:47 pm IST)