Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

૧ થી ૧૯ વર્ષ સુધીનાં સંતાનોને વર્ષમાં બે વખત અચૂક કૃમિની દવા પીવડાવોઃ ડીડીઓ એ.જે. શાહ

ડોઝથી બાળકોમાં લોહીની ઉણપ અને પોષણ સ્તરમાં સુધારો થાય છે

રાજકોટ,તા.૨૮: દેશભરમાં ૨૭મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિ મુકિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ 'કૃમિથી મુકિત, બાળકોને શકિત'ની થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના અધ્યક્ષસ્થાને નેશનલ ડિવોર્મિંગ ડેની ઉજવણી કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાળકોને આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવી કૃમિના ચેપથી શરીરને થતા નુકસાન, તેના ઈલાજ અને બચાવના ઉપાયો વિશે સમજણ આપી હતી. શ્રી શાહે અધિકારીઓએ બાળકોને કૃમિ નાશક ટેબ્લેટ આલ્બેન્ડાઝોલનું વિતરણ કરીને નિરીક્ષણ હેઠળ તેમને દવા ખવડાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશના બાળકોને કૃમિના ચેપથી મુકત કરી સશકત અને નિરોગી બનાવવા માટે આ ઝુંબેશ હેઠળ વર્ષમાં ૨ વાર ૧ થી ૧૯ વર્ષના બાળકો અને તરૂણોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવે છે. કૃમિનાશક દવા લેવાથી બાળકોમાં લોહીની ઉણપમાં અને પોષણ સ્તરમાં સુધારો થતો હોવાથી તમામ માતા-પિતાને તેમના બાળકોને અચૂકપણે આ ડોઝ અપાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

(11:46 am IST)