Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી ઠંડીનો તીવ્ર ચમકારો

કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહીઃ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવા માટે આગાહી : નલિયામાં પારો ગગડીને ૧૦ ડિગ્રી સુધી નીચે

અમદાવાદ, તા.૨૮: અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડી ગયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ફરી એકવાર ગગડીને ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં કોઇ મોટા ફેરફાર તાપમાનમાં થશે નહીં પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. હળવા વરસાદની સંભાવના પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઇ શકે છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠાનો  સમાવેશ થાય છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગગડી જતાં ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી લઇને ૧૪ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.  આગામી દિવસોમાં અને ખાસ કરીને શિવરાત્રીની આસપાસ ઠંડી વધે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. લોકો ફરી એકવાર ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. હાલમાં બેવડી સિઝન હોવાથી સાવચેતી રાખવા માટે તબીબોએ સલાહ આપી છે. બપોરના ગાળામાં ગરમી અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે પારો ૧૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. કેટલાક પાક હવે લણવાની સ્થિતિમાં છે તેવામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હોઈ નુકસાન થવાની સંભાવનાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. હવામાનખાતાની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૮.૩ અને લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં પારો ૧૩ ડિગ્રી રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં આજે વાતાવરણમાં પલટા વચ્ચે અમદાવાદમાં ધુળભરેલી આંધી ચાલી હતી. લઘુત્તમ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે. જ્યારે આવતીકાલે ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.

(9:43 pm IST)