Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

નડિયાદ નજીક નવા બોલોદરામાં લાઈટ બિલ કાપવા ગયેલ જીઇબીના કર્મચારી પર ધારિયાથી જીવલેણ હુમલો થતા અરેરાટી

નડિયાદ: પાસે આવેલા નવા બિલોદરા ગામે સંતરામ વાટીકા પાછળના ભાગે પ્રફુલભાઇ પટેલ રહે છે. જેઓનું ગત મહિનાનું ૧૪૯૮ રૂપીયા લાઇટ બીલ બાકી નિકળતુ હતુ. જેથી આજે સવારના સમયે નડિયાદ જીઇબી સ્ટાફના મહેન્દ્રભાઇ જેઠવા, જાનકીબેન તેમજ અન્ય કર્મચારીઓ બાકી બીલવાળા કનેકશનો કાપવા માટે નવા બિલોદરા ગામે પહોચ્યા હતા. મહેન્દ્રભાઇ જેવા પ્રફુલભાઇના ઘરે પહોચ્યા અને બાકી બીલ બાબતે ચર્ચા કરી કે પ્રફુલભાઇ ઉશ્કેરાઇને ગાળાગાળી કરવા લાગ્યા હતા

જીઇબી કર્મચારી એવા મહેન્દ્રભાઇની સાથે મહિલા કર્મી પણ હોઇ તેઓએ પ્રફુલભાઇને ગાળો નહી બોલવા જણાવ્યું હતું. પરંતુ ઉશ્કેરાયેલા પ્રફુલભાઇએ પ્રથમ મહિલા વીજ કર્મી સાથે ઉધ્ધતાઇથી વર્તન કરી તેમને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. જેથી મહેન્દ્રભાઇ વચ્ચે પડતા પ્રફુલભાઇએ તેમને પણ ધક્કા મારવાનું શરૂ કરી દીધુ હતુ. જે બાદ અચાનક પ્રફુલભાઇ ઘરમાં પડેલ ધારીયું લઇને આવી પહોચ્યા હતા, અને મહેન્દ્રભાઇ પર ધારીયું ઉગામી દીધુ હતુ. જે હુમલાથી બચાવા જતા મહેન્દ્રભાઇને જમણા હાથની આંગળી અને કમરના ભાગે ધારીયુ વાગતા ઇજા પહોચી હતી. પ્રફુલભાઇએ વીજ કર્મી સાથે ઝઘડો કર્યાની જાણ થતા અન્ય વીજ કર્મીઓ પણ વચ્ચે પડ્યા હતા, જોકે ઉશ્કેરાયેલા પ્રફુલભાઇએ બાકી બીલ ભરવાની જગ્યાએ તમામની સાથે ઝપાઝપી અને ગાળા ગાળી કરી ત્યાથી કાઢી મુક્યા હતા.

(6:20 pm IST)