Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ગુજરાતના માત્ર તબિબી શિક્ષકો જ સાતમા પગાર પંચના લાભથી વંચિત શા માટે?...પીડીયુ મેડિકલ કોલેજના શિક્ષકોની રેલી

હાલની સ્થિતિમાં પ્રોફેસરો દેશ અને સરકારની સાથેઃ સરકાર સત્વરે પ્રશ્નનો નિવેડો લાવે તેવી લાગણી અને માંગણીઃ ડીનને આવેદન

રાજકોટ તા.૨૮: ગુજરાત સરકારના ૪ લાખ કર્મચારીઓ અને ૪ લાખ જેટલા પેન્શરોને સાતમા પગાર પંચ મુજબ પગાર અપાય છે. તબિબો કે જેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ વગેરેના ૪૦૦૦થી વધારે તબિબોને પણ સાતમા પગાર પંચ મુજબ પગાર અપાય છે. આ ઉપરાંત રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજના ૪૦૦ ટ્યુટરને પણ સાતમા પગાર મુજબ લાભ અપાય છે. રાજ્યના શિક્ષણ ખાતા દ્વારા યુજીસીના ધારા ધોરણ મુજબ કોલેજોના પ્રોફેસરોને પણ સાતમા પગાર પંચ મુજબ જી.આર. થઇ ગયો છે. જેનો લાભ આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જિનીયરીંગ, ફાર્મસી વગેરે કોલેજોના પ્રોફેસરોને પણ મળે છે. પરંતુ એક માત્ર તબિબી પ્રોફેસરો જ સાતમા પગાર પંચના લાભથી વંચીત છે. સરકારી કોલેજોના આવા તબિબી પ્રોફેસરોની સંખ્યા માત્ર ૧૦૦૦ છે. તબિબી શિક્ષકોની અવગણના થઇ રહ્યાની લાગણી ઉદ્દભવતા આજે સિવિલ હોસ્પિટલ પીડીયુ મેડિકલ કોલેજના ૧૫૦ તબિબી પ્રોફેસરોએ ઇમર્જન્સી સેવા ચાલુ રાખી આજે બપોરે ૧૨ કલાકે કોલેજ કેમ્પસમાં જ રેલી કાઢી હતી અને ન્યાય આપવાના બેનરો પ્રદર્શિત કર્યા હતાં. એ પછી ડીન મેડમને આવેદન પત્ર પાઠવ્યું હતું. જો સમયસર આ પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. હાલ દેશમાં જે સ્થિતિ પ્રવર્તિ રહી છે તે જોતાં તબિબી શિક્ષકો રાષ્ટ્ર તથા સરકારની સાથે જ છે.    સરકાર સત્વરે નિવેડો લાવે તેવી લાગણી અને માંગણી છે. કોલેજ કેમ્પસમાં ફરેલી રેલીના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૯)

 

(3:48 pm IST)