Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સુરત પોલીસની પ્રજા જોગ એડવાઇઝરી

અનાજ - કરિયાણુ - દવાનો જથ્થો એકઠો કરી રાખો

સુરત તા. ૨૮ : વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કર્યા બાદ ગુજરાત સહિત પાંચ રાજયોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. રાજયના અનેક શહેરોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોમાં ચેકિંગ પણ કરાઈ રહ્યું છે. સુરક્ષાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ સતત સતર્કતા દાખવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિને જોતા સુરત પોલીસે બુધવારે લોકો માટે સુરક્ષાને લગતી એક ગાઈડલાઈન જાહેર કરી છે. પોલીસે જાહેર કરેલી ગાઈડલાઈનમાં લોકોને એક મહિના સુધી ચાલે એટલું કરિયાણું તેમજ ઘર વપરાશમાં જોઈતી વસ્તુઓને સ્ટોર કરી લેવા કહ્યું છે. સાથે જ કેટલીક જરૂરી દવાઓ તેમજ બાળકો માટેનું ફૂડ પણ સ્ટોર કરવા કહ્યું છે. સુરત પોલીસે લોકોને જાહેર જગ્યાઓ પર કે કોઈ મીટિંગમાં જાતિય રમખાણો થાય તેવા પ્રકારની વાતો કે કોમેન્ટ ન કરવા માટે કહ્યું છે તેમજ અફવાઓ ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા માટે સૂચના આપી છે. પોલીસે લોકોમાં ડર ઊભો થાય તેવા મેસેજ સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટે અપીલ કરી છે.

પોલીસે લોકોને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરવા કહ્યું છે. ગાઈડલાઈન પ્રમાણે ટૂંકા સમયગાળા માટે કોઈ અજાણી વ્યકિતને પોતાનું ઘર ભાડે રહેવા માટે ન આપવું સાથે જ અજાણી વ્યકિતને પોતાનું વાહન ન આપવું. કોઈ અજાણી વ્યકિતને કામ પર ન રાખવા માટે પણ ગાઈડલાઈનમાં સૂચના અપાઈ છે. હોટેલ અને ગેસ્ટહાઉસનો રૂમ પણ વ્યકિતના આઈકાર્ડની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ આપવા કહેવાયું છે.(૨૧.૮)

(11:58 am IST)