Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પંચમહાલમાં પ્રથમ વખત અફીણનું ખેતર મળી આવ્યું

અફીણના ૧૦૧૪ છોડ જેની કિંમત ૭૬૪૭૦ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી એનડીપીએસ જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી : ખેતરમાં અફીણના છોડવાનો ઉછેર

પંચમહાલ, તા.૨૮: પંચમહાલ જિલ્લામાંથી પ્રથમવાર ખેતરમાં અફીણના છોડવાનો ઉછેર કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એસઓજીએ મોરવા તાલુકાના ભંડોઇ ગામે ખેતરમાં ઉગાડેલા વનસ્પતિ જન્ય લીલા અફીણના ૧૦૧૪ છોડ જેની કિંમત ૭૬૪૭૦ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી એનડીપીએસ જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે ઝડપાયેલા આરોપીએ અફીણના છોડનું વાવેતર પોતાના ઉપયોગ માટે જ કર્યુ હોવાનું પોલીસ સમક્ષ હાલ તો રટણ કરી રહ્યો છે.

અફીણ સેવનના રવાઢે ચઢેલા વ્યક્તિ ઓને અફીણ વિના ચાલી શકતું નથી અને ભાવ ખૂબ જ હોવાથી આખરે પોતાની તલપ છુપાવવા માટે આ પ્રકારના અખતરા પણ કરતાં હોય છે. પંચમહાલ જિલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્ત નાબુદ કરવાની કરવા માટે રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસવડા એ એસઓજીને સૂચના આપી હતી. જે અંતર્ગત એસ ઓ જી પી આઈ આર.એ. પટેલ અને ટીમ પેટ્રોલીંગ કરી રહ્યા હતા.આ પેટ્રોલીંગ દરમિયાન એસ.ઓ.જી. પીઆઇને  મોરવા તાલુકાના ભંડોઇ ગામના રામદેવ ફળીયામાં રહેતાં લાલુભાઇ પ્રતાપભાઇ મકવાણાના ઘર પાસે આવેલા ખેતરમાં અફીણનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી. જે આધારે એસઓજી ટીમે બાતમી વાળા ખેતરમાં ખેતર માલિક લાલુભાઇ મકવાણાને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ખેતરમાંથી વનસ્પતિ જન્ય લીલા અફિણના છોડ નંગ-૧૦૧૪ મળી આવ્યા હતા. જેનું પોલીસે વજન કરાવતા ૨૫.૪૯૦ કીલો ગ્રામ વજન થયું હતું.

પોલીસે પ્રતિબંધિત અફીણ છોડનો ૭૬,૪૭૦ રૂપિયાનો જથ્થો કબજે લઇ આરોપી લાલુભાઇ સામે  મોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, પંચમહાલ જિલ્લામાં આજ દિન સુધી પોલીસે ગાંજાના વાવેતરના કેસ કર્યા છે પરંતુ અફીણનું વાવેતર થતું હોવાનું પ્રથમ વાર ધ્યાને આવ્યું છે.

(10:33 pm IST)