Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

હાઈકમાન્ડે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવાનું નક્કી કરી લીધું: કોંગ્રેસના આંતરિક સુત્રો

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ પરેશ ધાનાણી બની શકે છે, હાલ તેઓ રાહુલ ગાંધી સાથે જમ્મુ કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં જોડાયાં છે

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચૂંટણીમાં કારમો પરાજય મળતાં હવે નવા પ્રમુખની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વિપક્ષના પદ માટે હવાતિયા મારતી કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા અને દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા તરીકે જાહેર કર્યાં છે. પરંતુ હજી કોંગ્રેસને વિપક્ષનું પદ મળ્યું નથી. તો બીજી બાજુ હાઈકમાન્ડે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવાનું નક્કી કરી લીધું હોવાનું કોંગ્રેસના આંતરિક સુત્રો જણાણી રહ્યાં છે. હવે જગદીશ ઠાકોરના સ્થાને નવા પ્રમુખ પદ માટે હાઈકમાન્ડે નામ પણ મંગાવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના ખસ્તા હાલ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા બાદ હારેલા નેતાઓએ ગુજરાતના પ્રદેશ પ્રમુખ પર આક્ષેપો કર્યાં હતાં. ક્યાંક ટીકિટો વેચાઈ ગઈ હોવાની પણ બુમો ઉઠી હતી તો ક્યાં પાર્ટીના મોટા નેતાઓએ ભાજપ ભણી હતી. આ સમય દરમિયાન જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના ખસ્તા હાલ જોવા મળ્યાં છે. ત્યારે નવા પ્રમુખ માટે કોંગ્રેસ હાઈકમાન્ડે તૈયારીઓ શરુ કરી દીધી છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ પરેશ ધાનાણી બની શકે છે. હાલ તેઓ રાહુલ ગાંધી સાથે જમ્મુ કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં જોડાયાં છે. બીજી તરફ અર્જુન મોઢવાડિયાનું નામ પણ નવા પ્રદેશ પ્રમુખ તરીકે લેવાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે તેની ચર્ચાઓ કોંગ્રેસના કાર્યકરોમાં શરૂ થઈ ગઈ છે.

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 38 નેતાઓ સસ્પેન્ડ કરાયા

કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 38 નેતાઓને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે આજે ત્રણ  નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ત્રણ આગેવાનોને એકદમ સસ્પેન્ડ કરવાથી નેતાઓમાં ચકચાર મચી ગઇ છે. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારની હકાલપટ્ટી કરવામાં આવી હતી.ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(7:58 pm IST)