Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

૨૦ દિવસની દીકરીને ન્યાય અપાવીને જ રહીશું: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરેન્દ્રનગર જિલ્લાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના પાઠવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી:પરિવારજનોને ઝડપથી ન્યાય મળશે તેવી ખાતરી આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ :તાજેતરમાં ધંધુકા ખાતે થયેલ હત્યા સંદર્ભે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બગોદરા ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ ગૃહરાજ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને પરિવારજનોને ઝડપથી ન્યાય મળશે તેવી ખાતરી પણ આપી હતી.

આ તકે ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કિશનભાઈની હત્યા બાદ અમદાવાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને માત્ર ૨૪ કલાકમાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસનું રાજ્ય સરકાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે,કિશનભાઈને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રિય થઈ કાર્ય કરી રહી છે.
મંત્રીએ મૃતકના પરિવારને ઝડપથી ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ૨૦ દિવસની દીકરીને ન્યાય આપવામાં આવશે અને સમગ્ર કેસની ઝડપથી તપાસ કરીને આ ઘટના સાથે સંકળાયેલ કોઈપણ લોકોને છોડવામાં નહીં આવે. તેમ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ દિવસની માસૂમ દીકરીના પિતાની હત્યા કરવામાં આવતા તાત્કાલિક અલગ અલગ ટીમો લગાડવામાં આવે અને સાચી હકીકત સુધી પહોંચવામાં આવે તેવી લાગણી અમારા સુધી પહોંચી હતી માટે તાત્કાલિક નિર્ણય લઈને એક કલાકમાં પગલા લેવામાં આવ્યા હતા સાથે સાથે અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમોના માધ્યમથી જે પ્રકારે આ ઘટના બની તેના વિશે અલગ અલગ પાસાઓ ઉપર તપાસ ચાલુ કરવામાં આવી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર આ પ્રકારના કેસો ઉપર ઝડપથી તપાસ થાય અને ન્યાય મળે તે દિશામાં કાર્ય કરી રહી છે. આ કેસની તપાસ સારી રીતે થાય તે માટે ગુજરાતની A.T.S અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે અલગ-અલગ પાસા પર તપાસ કરી રહી છે.
આ તકે મંત્રીએ કહ્યું કે, આ બાબતે ગુજરાતના સારામાં સારા વકીલને રાજ્ય સરકાર રોકશે અને કિશનભાઇના હત્યારાઓને સજા અપાવવામાં આવશે અને એમના પરિવારને ન્યાય અપાવવાની કામગીરી આગળ વધારવામાં આવશે.
 વધુમાં તેમણે ગુજરાત પોલીસ તમામ દિશાએ આ કેસમાં તપાસ કરી રહી છે અને આ બાબતે ઝડપથી ન્યાય આપવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.
આ તકે રાજ્ય સરકારના ત્વરિત નિર્ણય અને અમદાવાદ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરીનો સમાજના લોકોએ આભાર માન્યો હતો.
આ તકે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, અગ્રણીઓ સર્વ શંભુપ્રસાદ ટુંડિયા, જગદીશભાઈ મકવાણા,ભરતભાઇ પંડ્યા,બાબાભાઈ ભરવાડ સહિત સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(7:03 pm IST)