Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કરફયુ તથા પ્રસંગો અને ધંધા માટેના નિયંત્રણો હાલ યથાવત

વધુ નિયંત્રણ કે વધુ છૂટછાટ નહિ તેવો સરકારનો અભિગમઃ સાંજે કોર કમીટીની બેઠકમાં આખરી નિર્ણયઃ નોંધપાત્ર ફેરફારની શકયતા નજીવી

રાજકોટ, તા. ૨૮ :. રાજ્‍યમાં કોરોનાના દૈનિક નવા કેસમાં ગયા અઠવાડીયાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. પરિસ્‍થિતિ સુધારા પર છે. હાલની કોરોનાની ગાઈડ લાઈનની આવતીકાલે તા. ૨૯મીએ પુરી થઈ રહી છે. પરિસ્‍થિતિની સમીક્ષા કરી નવી ગાઈડ લાઈન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વડપણમાં જાહેર કરવા આજે સાંજે ૫ વાગ્‍યે ગાંધીનગરમાં સરકારની કોર સમિતિની બેઠક મળનાર છે. હાલની જોગવાઈઓ અઠવાડીયુ યથાવત રાખવામાં આવે તેવા નિર્દેષ મળે છે.
રાજકોટ, અમદાવાદ, સુરત જેવા ૮ મહાનગરો અને ૧૭ નગરોમાં રાત્રે ૧૦થી સવારે ૬ સુધી કરફયુ રહે છે. દુકાનો, શોપીંગ સેન્‍ટર લારી-ગલ્લા વગેરે ચાલુ રાખવા માટે રાત્રે ૧૦ સુધીની સમય મર્યાદા છે. લગ્ન પ્રસંગે મહત્તમ ૧૫૦ લોકો માટે છૂટ છે. અંતિમવિધિમાં ૧૦૦ માણસોની મર્યાદા છે. સિનેમા હોલ, જીમમાં કુલ ક્ષમતાની ૫૦ ટકાની જોગવાઈ છે. કોચીંગ કલાસમાં એ જ જોગવાઈ છે. હોટલ, રેસ્‍ટોરન્‍ટમાં હોમ ડીલીવરીની પૂર્ણ સમયની છૂટ છે. સરકારના ટોચના વર્તુળોએ અકિલાને જણાવેલ કે વર્તમાન સંજોગો જોતા સરકાર વર્તમાન ગાઈડ લાઈનમાં નોંધપાત્ર ફેરફાર કરવાના મૂડમાં નથી. આખરી નિર્ણય સાંજે કોર કમિટીમાં થશે.

 

(3:43 pm IST)