Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

તલાટી ૩૪૩૭ જગ્યાઓ માટે લાખો અરજીઓ આવશેઃ કલાર્કની ભરતી માટે જાહેરાત તુર્તમાં

આજથી ઓનલાઇન ઉમેદવારીઃ રાજકોટ જિલ્લા પંચાયતને ર૧૦ જેટલા તલાટીઓ મળશે

રાજકોટ તા. ર૮: રાજય સરકારે જિલ્લા પંચાયતોની જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ વિખેરીને રાજય કક્ષાએ પંચાયત પસંદગી સેવા સમિતિને સઘળી સતા સોંપ્યા બાદ પંચાયતના તલાટીની પસંદગી માટે પ્રથમ વખત ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે. પંચાયત સેવા બોર્ડ દ્વારા તબકકાવાર જાહેરાતો આવી રહી છે. તલાટીની ભરતી માટે ઓનલાઇન ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટુંક સમયમાં જુનિયર કલાર્કની ૧૮૦૦ જેટલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ થનાર હોવાનું સરકારી સૂત્રો જણાવે છે. તલાટી માટે લાખો અરજીઓ આવવાની ધારણા છે.

પંચાયત સેવા વર્ગની કુલ ૩૪૩૭ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આજથી તા. ૧પ ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. શૈક્ષણિક લાયકાત ધો. ૧ર પાસ રાખવામાં આવી છે. આ ભરતીથી રાજકોટ જિલ્લા પંચાયતને નવા ર૧૦ જેટલા તલાટીઓ મળવાપાત્ર છે. ઉમેદવાર કોઇપણ એકજ જિલ્લામાંથી અરજી કરી શકાશે. કોરોના સહિતની પરિસ્થિતિ સાનુકુળ હોય તો તલાટી માટે એપ્રિલ-મે માં પરીક્ષા લેવાય તેવી શકયતા છે.

(3:19 pm IST)