Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પીરોટન ટાપુ પાંચ વર્ષ સુધી બંધ રહ્યા બાદ ફરીથી મુલાકાતીઓ માટે ખોલવામાંઆવ્યો

એક દિવસમાં માત્ર ૧૦૦ લોકોને જ પીરોટન ટાપુની મુલાકાત લેવાની મંજૂરી મળશે : મુલાકાત લેવાના ૩-૪ દિવસ પહેલા પાસ માટે વન વિભાગને આપવી પડશે અરજી

અમદાવાદ, તા.૨૮:  વન્યજીવ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. પાંચ વર્ષના સમયગાળા બાદ તમે ફરીથી પીરોટન ટાપુની મુલાકાત લઈ શકશો. પરંતુ, તમે ત્યાંની મુલાકાત લેવાનું પ્લાનિંગ શરૂ કરી દો તે પહેલા કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે.

જામનગર પાસે આવેલો ટાપુ, જે દરિયાઈ જૈવવિવિધતાના સ્થળ તરીકે જાણીતો છે, તે મુલાકાતીઓ માટે ફરીથી ખુલશે, જો કે, તેની મુલાકાત લેનારાઓએ પહેલા વન વિભાગ પાસેથી પરવાનગી લેવી પડશે અને અમુક શરતોનું પાલન કરવા માટે સંમત થવું પડશે.

વન વિભાગે જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે ચર્ચા કર્યા બાદ કેટલીક શરતો સાથે આ ટાપુની મુલાકાત માટે કેટલીક માર્ગદર્શિકા બનાવી છે. જામનગરના નવાનગર નેચર કલબના ગ્રુપે બુધવારે આ ટાપુની મુલાકાત લીધી હતી, જયાં સભ્યોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.

ટાપુ મુલાકાતીઓ માટે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી બંધ હતો અને બાદમાં ફરીથી ડિસેમ્બર, ૨૦૧૭ થી બંધ કરવામાં આવ્યો હતો. થોડા વર્ષો પહેલા દ્યુસણખોરી અને ગેરકાયદે પ્રવૃતિઓની અનેક ફરિયાદો સામે આવ્યા બાદ ટાપુ પર મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ વન વિભાગે ત્યાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના નિમેષ ખાખરીયાનો અહેવાલ જણાવે છે.

વન વિભાગ હવે ફેબ્રુઆરીથી દર મહિને ભરતીની સ્થિતિ અનુસાર તારીખો જાહેર કરશે, જેથી મુલાકાતીઓ જાણી શકે કે કયારે પરવાનગી માટે અરજી આપવી અને કઈ તારીખે ટાપુની મુલાકાત લેવાની પરવાનગી મળશે.

વન વિભાગના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં ૧૦૦ થી વધુ લોકોને ટાપુની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુલાકાતનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે. નિયમો અનુસાર, પખવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ મુલાકાતીઓને મંજૂરી અપાશે કારણ કે અન્ય દિવસોમાં વધુ ભરતીના કારણે સૂર્યાસ્ત પહેલા પરત ફરવું શકય નથી. મુલાકાતીઓને વન કર્મચારીઓની દેખરેખ હેઠળ અથવા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ અને ફકત નોંધાયેલી બોટમાં જ ટાપુ પર જવાની મંજૂરી આપવામાં આવશે. સલામતીના કારણોસર કોઈ મુલાકાતીઓને ફિશિંગ બોટમાં ટાપુ પર જવા દેવામાં આવશે નહીં.

મરિન નેશનલ પાર્કના રેંજ વન અધિકારી પ્રતીક જોશીએ કહ્યું હતું કે,  'અમે ગાઈડલાઈન્સના આધારે મુલાકાતીઓને મંજૂરી આપીશું. મુલાકાતીઓએ પાસ માટે ત્રણ-ચાર દિવસ પહેલા અરજી કરવાની રહેશે, જે ભરતીની સ્થિતિના આધારે મુલાકાતના એક દિવસ પહેલા આપવામાં આવશે. એક ટ્રિપમાં ૧૦ થી વધુ લોકોના ગ્રુપને અને એક દિવસમાં ૧૦૦ થી વધુ લોકોના ગ્રુપને મંજૂરી મળશે નહીં'.

ટાપુ પર કોઈ મોબાઈલ નેટવર્ક ન હોવાથી વન વિભાગે મોટી ઉંમરના લોકો અને નાના બાળકોને ટાપુની મુલાકાત ન લેવા કહ્યું હતું. બોટ માલિકો મુશ્કેલીના સંકેત મોકલવા માટે રેડિયોથી સજ્જ છે.

(10:25 am IST)