Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કોંગ્રેસ પક્ષમાં સંગઠનમાં લોકોને ક્‍યાંય સ્‍થાન હોતુ જ નથી, જેથી સંગઠનનું મહત્‍વ ક્‍યાંથી વધે ? કોંગ્રેસ નેતા મનહર પટેલ અને જયરાજસિંહ પરમારે ગુજરાતના કોંગ્રેસના નેતૃતવ ઉપર સવાલો ઉઠાવ્‍યા

કોંગ્રેસમાં ફરી આંતરીક વિવાદ સામે આવતા રાજકીય ગરમાવો

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભરતી મેળો આદરીને બેઠેલી કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદનો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા મનહર પટેલ અને જયરાજ સિંહ પરમારે ગુજરાત નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસની રાજકીય સ્થિતિ સામે કોંગ્રેસના ધારાસભ્યના વેધક સવાલ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ પોતાના જ પક્ષ સામે સવાલ ઉઠવતા ખળભળાટ મચ્યો છે.

ગુજરાતમાં એક તરફ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજનીતિમાં ગરમીનો પારો પણ ઉપર જઇ રહ્યો છે. રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસની અંદર ફરી અંદરોઅંદર વિખવાદ સપાટી પર જોવા મળ્યો છે. કોંગ્રેસના મોટા નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વિટ કરી પોતાની પાર્ટી સામે જ સવાલો ઉઠાવ્યાં હતા. ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ સામે આવ્યો છે. જેમાં જયરાજસિંહ પરમારે વિવાદિત ટ્વીટ કરીને અનેક સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસની રાજકીય સ્થિતિ સામે કોંગ્રેસના ધારાસભ્યના પાર્ટી સામે જ ધારદાર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ ધારદાર એ જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સાંસદો અને ધારાસભ્યો કેન્દ્રીય રહ્યો છે. બીજી બાજુ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી. જેથી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે?

નોંધનીય છે કે, જયરાજસિંહના ટ્વીટ બાદ ફરી કોંગ્રેસમાં આંતરિક વિવાદ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અગાઉ પણ જયરાજસિંહ નારાજ થયા હતા. અને તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસમાં ચાપલુસોની જમાવટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોગ્રેસના કિરીટ પટેલ લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્યોએ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્યોએ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે રાજકારણ ગરમાયું છે. આ ઘટના ક્રમ વચ્ચે લોકોમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે શું પાટીદાર અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ, અલ્પેશ કથીરિયાને કોંગ્રેસે પક્ષમાં જોડવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે.

(4:22 pm IST)