Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લેન્ડ ગ્રેબિંગ એકટ કેસમાં આંબાવાડી પાંજરાપોળની કેટલીક જમીન પચાવવા મુદ્દે કોર્ટે 2 આરોપીઓન જામીન ફગાવ્યા

બંને આરોપીઓને જો જામીન આપવામાં આવે પુરાવા અને સાથીઓ સાથે ચેડાં થવાની શક્યતા

અમદાવાદ આંબાવાડી પાંજરાપોળની કેટલીક જમીન અને તેના આસપાસ આવેલી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાના કેસમાં આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટની જોગવાઈઓ મુજબ કરવામાં આવેલી કાર્યવાહીના કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે બે આરોપીઓના જામીન ફગાવી દીધા છે

  કોર્ટે બંને આરોપી બચુભાઈ ચુનારા અને વિરલ દેસાઈના જામીન ફગાવતા નોંધ્યું હતું કે, પાંજરાપોળની પરવાનગી વગર બંને આરોપીઓએ તેની પાસે આવેલી જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો કરી પ્રાણીઓને રાખ્યા છે અને પાસે આવેલી એક જગ્યા પર લારીવાળા અને વાહન પાર્કિંગના ગેરકાયદેસર ભાડા વસૂલવાનો આક્ષેપ છે. આ કેસની તપાસ ચાલુ હોવાથી બંને આરોપીઓને જો જામીન આપવામાં આવે પુરાવા અને સાથીઓ સાથે ચેડાં થવાની શક્યતા છે અને જેથી તેમને અત્યારે જામીન આપી શકાય નહીં

આ મુદ્દે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, કેટલાક સાક્ષીઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓ આવેલી જગ્યા પર લારીવાળા અને વાહન પાર્ક કરનાર વ્યક્તિ પાસેથી માલિકી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ભાડુ વસૂલે છે. પાંજરાપોળની પચાવેલી જગ્યા પર આરોપીઓ દ્વારા ઢોરને પણ રાખવામાં આવે છે.

ફરિયાદી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે બંને આરોપીઓ અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે અને પાંજરાપોળની આવેલી જગ્યા પર લારીવાળા અને વાહન પાર્ક કરવા બાબતે લોકો પાસેથી ગેરકાયદેસર રીતે ભાડું વસૂલે છે.

અરજદારના એડવોકેટે દલીલ કરી હતી કે આરોપીઓ દ્વારા કોઈપણ પ્રકારની જમીન પચાવવામાં આવી નથી અને વાહન પાર્કિંગ મુદ્દે કે લારીવાળા પાસેથી પૈસા વસુલતા નથી. અરજદાર ખેડૂતો પાસેથી રખડતા પ્રાણીઓ મેળવી પાંજરાપોળ મોકલે છે. અરજદાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. જેથી તેમને જામીન આપવામાં આવે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે બંને આરોપીઓ સામે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આરોપીઓએ પાંજરાપોળની 3000 ચો.મી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે

(7:13 pm IST)