Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

૨૮ ફેબ્રુઆરીઍ યોજાનાર અરવલ્લીના મોડાસામાં નગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની ઍન્ટ્રીઃ કોîગ્રેસના ગઢમાં ગાબડુઃ ૫૦ કોંગી કાર્યકરો ઓલ ઇન્ડિયા મજલિસ ઍ ઇત્તેહાદુલ મુસ્લિમિનમાં જોડાયા

ગાંધીનગર: હૈદરાબાદના સાંસદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવૈસીની જાહેરાત બાદ કોંગ્રેસમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં કોંગ્રેસના નગરસેવક સહિત 50 કાર્યકરો AIMIMમાં જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં નગરપાલિકા-તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે.

AIMIMએ કોંગ્રેસના ગઢમાં પાડ્યુ ગાબડુ

અરવલ્લીના મોડાસામાં AIMIM ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડ્યુ છે. 5 અપક્ષ નગરસેવક સહિત 50 કોંગ્રેસના કાર્યકર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન (AIMIM)માં જોડાયા છે. કોંગ્રેસના વધુ કાર્યકર આ પાર્ટીમાં જોડાય તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે AIMIMના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવેલા સાબીર કાબલીવાલા પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે.

મોડાસા નગરપાલિકાનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો

AIMIM સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા મોડાસા નગરપાલિકાનો ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે. ભાજપ-કોંગ્રેસ સિવાય AIMIM પણ ચૂંટણીના મેદાનમાં આવી ગઇ છે. મોડાસા નગરપાલિકા ભાજપના હાથમાં હતી. ભાજપે 5 અપક્ષના કોર્પોરેટરની મદદથી સત્તા મેળવી હતી. જોકે, હવે 5 અપક્ષના કોર્પોરેટર AIMIM જોડાતા આ ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે.

મોડાસામાં 25 વર્ષથી ભાજપનું શાસન

મોડાસામાં છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણીના મેદાનમાં છે. મોડાસા નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકની ચૂંટણીમાં 1 બેઠક અનુસુચિત જાતિ સ્ત્રી, 1 બેઠક આદીજાતી સ્ત્રી, બે બેઠક પછાત વર્ગ સ્ત્રી અને સામાન્ય સ્ત્રીની 14 બેઠકો મળી કુલ 18 બેઠકો સ્ત્રીઓ માટે નિયમ મુજબ અનામત કેટેગરીમાં ફાળવવામાં આવી છે. જ્યારે 15 બેઠકો સામાન્ય ઠરાવાઇ છે.

(5:14 pm IST)