Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ગાંધીનગર નજીક કડજોદરામાં લગ્નમાં જવું પરિવારને ભારે પડ્યું:બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 83 હજાર તફડાવી ફરાર

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે કડજોદરામાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમ્યાન તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી રોકડસોનાચાંદીના દાગીના મળી ૮૩ હજારની મત્તા ચોરી લીધી હતી. જે ઘટના સંદર્ભે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને તસ્કરોને શોધી કાઢવા માટે દોડધામ શરૃ કરી છે.   

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો હાલ તસ્કરોના સોફટ ટાર્ગેટ ઉપર રહયા છે અને ખાસ કરીને દહેગામ રખિયાલ પંથકમાં નાની મોટી ચોરીની સાથે બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહયા છે. ત્યારે રખિયાલ પંથકના કડજોદરામાં લગ્ન પ્રસંગે ગયેલા ખેડૂતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જે ઘટનાની મળતી વિગતો પ્રમાણે કડજોદરા ગામે રહેતાં ભૂપતસિંહ માનસિંહ ઝાલા તેમનું મકાન બંધ કરીને તેમના કૌટુંબિક સગાની દીકરીના લગ્ન પ્રસંગે બોરકુવા ઉપર ગયા હતા. સવારના અગિયાર વાગ્યે મકાનને તાળું માર્યું હતું. ત્યારબાદ ત્રણ વાગ્યે તેમની પત્નિ અને અન્ય સભ્યો ખેતરમાંથી ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ પરિવારજનો ઘરે પહોચ્યા ત્યારે મકાનનું તાળું તુટેલું હતું અને સામાન અસ્તવ્યસ્ત જણાયો હતો. ત્યારબાદ ભુપતસિંહને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. મકાનમાં તપાસ કરતાં સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૮૩ હજારની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે રખિયાલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધીને તેમને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી બાદ હવે દિવસ દરમ્યાન પણ ઘરફોડ ચોરીના ગુનાઓ વધતાં પોલીસે પેટ્રોલીંગ વધારવાની જરૃરીયાત ઉભી થઈ હોય તેમ લાગી રહયું છે. 

(5:03 pm IST)