Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

આદિવાસીઓના હિત માટે લડત ચલાવાશે જ : ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા સરકારથી ભારે નાખુશ : સંબંધિત અધિકારીઓ કોઇને ગાંઠતા નથી જેથી ગુજરાતના આદિવાસીને ભેગા થવા માટે મનસુખ વસાવાનો અનુરોધ

અમદાવાદ,તા. ૨૮ : હવે ભાજપના વધુ એક નેતાની ભાજપ સરકાર અને અધિકારીઓ સામેની ખુલ્લી નારાજગી સામે આવી છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મનસુખ વસાવાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ ગાંઠતા નથી અને ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ. તેમણે ગુજરાતભરના આદિવાસીઓને એકસંપ થવા માટે જાહેર અપીલ કરી હતી. ગાંધીનગરમાં આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રોને લઇને ધરણા પર બેઠા છે તે મામલે ભાજપના સાંસદ મનસુખ વસવાએ જણાવ્યું હતું કે, પૈસા આપીને ખોટા પ્રમાણપત્રો લઇન આદિવાસીઓનો અધિકાર ભોગવશે, ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા લોકોને મારૂ ખુલ્લુ સમર્થન છે. હું બીજા આદિવાસીઓ નેતાઓને પણ કહુ છુ કે, તમારામાં તાકાત હોય તો આદિવાસીઓને સમર્થન કરો નહીં તો આદિવાસી નેતા બનાવાનું બંધ કરી દો.આદિવાસીની રિઝર્વ સીટ પર ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્ય હોય બધાને હું કહુ છુ કે, તમે આદિવાસીઓને કારણે કંઇક છો અને જ્યારે આદિવાસીઓ મુશ્કેલીમાં હોય તેવા સમયે આદિવાસી મૌન હોય તે મને પસંદ નથી. તેવા લોકોને મારી વિનંતી કે, તમે સત્તાની પરવા કર્યાં વિના આદિવાસીઓના હિત કામ કરો. અમે સરકારની સાથે છીએ. સરકાર સરકારનું કામ કરશે પરંતુ અધિકાર જો અમારો છીનવાઇ જતો હોય તો તેવા સમયે આદિવાસીઓએ ચૂપ રહેવુ જોઇએ નહીં. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નારાજગી બાદ હવે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ભાજપની એક પછી એક નેતાઓની નારાજગી સામે આવતાં ચિંતા વધી રહી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ટ્રાઇબલ કમિશનરને હું પુછુ છે કે, તમે કેમ રદ્દ કરેલા સર્ટિફિકેટ મંજૂર કર્યાં, અમે આદિવાસીઓના ન્યાય માટે લડીશું. આદિવાસીઓનો હક છીનવવાનો પ્રયાસ છે. સરકારના વહીવટી તંત્રને અમે ખુલ્લા પાડીશું.

બાકીના લોકો દબાણ લાવી રહ્યા છે, તો અમે કેમ દબાણ કરીએ. દબાણનું રાજકારણ ચાલે છે. સરકાર કોઇની પણ હોય પરંતુ પણ જ્યારે આદિવાસીઓનો પ્રશ્ન હોય ત્યારે તમામે ગુજરાતના આદિવાસીઓ માટે ભેગા થવું જોઇએ.

(9:42 pm IST)