Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ચીનના કોરોના વાઇરસના હાહાકારથી શાંઘાઇથી વડોદરાનું દંપતી પરત ફર્યું

અમદાવાદ એરપોર્ટ પર દંપતીનું મેડિકલ ચેકઅપ કરાયું : બંનેના રિપોર્ટ નોર્મલ : વડોદરાના યુવાને ચીનની યુવતી સાથે ૫ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા બાદ ચીનમાં સ્થાયી થયા હતા

વડોદરા તા. ૨૮ : ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ ચીનના શાંઘાઇ સુધી પહોંચે તે પહેલાં વડોદરાનો પ્રતિક પંડ્યા તેની પત્ની સાથે વડોદરા આવી પહોંચ્યો છે. ૫ ડિસેમ્બર-૨૦૧૪ના રોજચાઇનાની ગાઉસુ(એમીલી) સાથે લગ્ન કરીને શાંઘાઇમાં સ્થાયી થયેલા પ્રતિક પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે ઇન્ડિયા આવીએ જ છીએ. કોરોના વાઇરસ ફેલાયો ન હોત તો પણ અમે ઇન્ડિયા આવવાના જ હતા. જોકે કોરોના વાઇરસ ફેલાતા અમોને લાગે છે કે, અમે સમયસર ભારત આવી ગયા છીએ. શાંઘાઇમાં લોકો ડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળે છે. અને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર કોઇ નીકળતુ નથી.

ઉલ્લેખનીય છે કે, શહેરના આજવા રોડના રહેવાસી પ્રતિક પંડ્યા ચાઇનામાં અભ્યાસ કરવા ગયો હતો. ત્યારે તેની સાથે અભ્યાસ કરતી ચાઇનાની યુવતી ગાઉસુ સાથે પ્રેમ થઇ ગયો હતો. તે બાદ તેઓએ વડોદરા આવીને ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન પ્રસંગમાં ગાઉસુના માતા-પિતા સહિત પરિવારજનો હાજર રહ્યા હતા. લગ્ન બાદ પ્રતિકના પરિવારજનોએ ગાઉસુનું નામ એમીલી રાખ્યું છે. લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ થોડા દિવસ પછી પ્રતિક અને એમીલી શાંઘાઇમાં સ્થાયી થયા છે. અને શાંઘાઇમાં જ તેઓ નોકરી કરીને ખુશમય જિંદગી પસાર કરે છે. વડોદરા એક મહિના માટે આવેલા પ્રતિક પંડ્યા અને એમીલી પંડ્યા આગામી ફેબ્રુઆરી માસના અંતમાં પરત જવાના છે.

(3:27 pm IST)