Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

૭૧ વર્ષીય વૃદ્ઘને નાગાબાવાના દર્શન રૂ.૧.૨૫ લાખમાં પડયા, અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો

ગાડીમાં નાગા બાવા બેઠા છે, તે લિંગથી ગાડી ખેંચે છે, કરોડો લોકો એમના દર્શન કરે છે, તમે પણ ઈચ્છો તો દર્શન કરી લો, બાવાએ એક રૂપિયો માંગ્યો પણ એક રૂપિયો ન હોવાથી બળવંતભાઈએ પાંચનો સિક્કો આપ્યો હતો

અમદાવાદ, તા.૨૮: થોડા સમય પહેલા ભિક્ષા માંગવાના બહાને અનેક પરિવારને લૂંટી લેવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર આવા જ બાવાનો કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ઘને રોડ પર રસ્તો પૂછવાના બહાને નાગા બાવા લિંગથી ગાડી ખેંચે છે અને તેમના દર્શન કરો કહીને તેમના દાગીના લૂંટી લીધા હતા. આ મામલે પીછો કરનાર વૃદ્ઘ થાકી ગયા હતા. અને બાવા સાથેની ટોળકી પકડાઈ ન હતી. આખરે સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ચાંદખેડામાં રહેતા ૭૧ વર્ષીય બળવંત ભાઈ ઠાકુર સવારે છાપું લેવા મોટેરા સ્ટેડિયમ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક જૂની કન્ડિશનની વાદળી કલરની ગાડી આવી હતી. ગાડીમાં એક ડ્રાઈવર અને કંડકટર સીટ પર એક નાગા બાવા બેઠા હતા. ડ્રાઈવરે નાગાબાવાના આશ્રમનું સરનામું પૂછ્યું હતું. પણ બળવંત ભાઈને ખ્યાલ ન હોવાથી ત્રિમંદીરનું સરનામું પૂછ્યું હતું.બાદમાં આ વ્યકિતએ ગાડીમાં નાગા બાવા બેઠા છે. તે લિંગથી ગાડી ખેંચે છે. કરોડો લોકો એમના દર્શન કરે છે. તમે પણ ઈચ્છો તો દર્શન કરી લો. આટલું કહેતા જ બળવંત ભાઈ પણ દર્શન કરવા ગયા અને આ નાગા બાવાએ એક રૂપિયો માંગ્યો પણ એક રૂપિયો ન હોવાથી બળવંત ભાઈએ પાંચનો સિક્કો આપ્યો હતો. અને તે સિક્કાને હાથમાં લઇ પરત આપી તિજોરીમાં મુકવા સલાહ આપી હતી.

બાદમાં બળવંત ભાઈએ પહેરેલી વીંટી માંગી તે આ નાગા બાવાએ પહેરીને પાછી આપી અને સોનાની લક્કી લઈ લીધી હતી. બાદમાં પીછે મૂડ જા એમ કહી આ ૧.૨૫ લાખની મત્તા લઈ ટોળકી ફરાર થઈ ગઈ હતી.

બળવંતભાઈએ નજીકમાં ઉભેલા રીક્ષા ચાલકને પીછો કરવાનું કહેતા પીછો તો કર્યો પણ આ ટોળકી ફરાર થઇ ગઇ હતી. આખરે સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આ ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(3:21 pm IST)