Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અપોષિત બાળકોના સુપોષણની જવાબદારી સમાજને ઉપાડી લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

કુપોષણ અભિયાન અંતર્ગત જિલ્લા મહાનગરોના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયુ : રાજયમાં ૩૦મીથી ૩ દિ' ૧૩૦ કાર્યક્રમો યોજવા નિર્દેશ અપાયો

જામનગર, તા.૨૮: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી પ્રજાસત્ત્।ાક પર્વ તા. ર૬ જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં રાજયની આંગણવાડીઓમાં એક પણ બાળક કુપોષિત ન હોય તેવી પ્રતિબદ્ઘતા સાથે પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યુ છે.

રાજયના બાળકોને સુપોષિત કરવાના સર્વગ્રાહી ઉદ્દેશ્યથી યોજાઇ રહેલા પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત હાથ ધરાનારા બહુવિધ કાર્યક્રમો અંગે મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયભરના જિલ્લા-મહાનગર અને નગરોના પદાધિકારીઓ, અધિકારીઓ અને આંગણવાડી કાર્યકરોને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રેરણાદાયી માર્ગદર્શન પુરૃં પાડયું હતું.

આ પોષણ અભિયાનનો પ્રારંભ તા.ર૩ જાન્યુઆરીએ આદિજાતિ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર દાહોદથી મુખ્યમંત્રીશ્રીએ કરાવેલો છે.

હવે, આગામી તા. ૩૦,૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાઓ, મહાનગરો અને નગરોમાં આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને 'સુપોષણયુકત ગુજરાત'ના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અભિયાન સંદર્ભે કહ્યું કે, આગામી પ્રજાસત્તાક દિવસ તા.ર૬ જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં પરિણામલક્ષી કામગીરી ઉપાડીને ગુજરાતને અન્ય ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસરતાની જેમ કુપોષણમુકતીમાં પણ અગ્રેસર બનાવવુ છે.

આ હેતુસર શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની પ૩ હજારથી વધુ આંગણવાડીઓમાં ૦ થી ૬ વર્ષની વયજુથના ૩પ.પર લાખ બાળકો પૈકીના અતિ નબળા અલ્પપોષિત બાળકોના પોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજવર્ગો, સેવાભાવી સંસ્થાઓ, NGO પાલક વાલી બની ઉપાડે અને 'એક પાલક એક બાલક'ના ઉદાત્ત અભિગમથી આવા બાળકની સારસંભાળ દેખરેખ રાખે તેવું પ્રેરક સુચન પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પાલક વાલીની પહેલ કરતાં જાહેર કર્યુ કે તેમના મત વિસ્તારની આંગણવાડીના કોઇ એક અતિ નબળા અલ્પપોષિત બાળકના તેઓ સ્વયં પાલક વાલી બનશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પાલક વાલી તરીકે આંગણવાડીમાં જઇને બાળકના આરોગ્ય, પોષણની ચિંતા સાથોસાથ વધારાની સારવારની કોઇ આવશ્કયતા હોય તો તેની વ્યવસ્થા પણ કરવાનું દાયિત્વ નિભાવવાનો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પોષણયુકત ગુજરાત એ સરકારના મહિલા-બાળકલ્યાણ વિભાગની જ નહિ સમગ્ર તંત્રના બધા વિભાગોની સહિયારી જવાબદારી  છે.

મુખ્યમંત્રીશ્રીએ પોષણ અભિયાન સાતત્યપૂર્ણ રીતે આગળ ધપાવવા પોષણ ત્રિવેણીની વિભાવના આપતાં કહ્યું કે, આંગણવાડી વર્કર, આશા વર્કર અને એ.એન.એમ બહેનોની ત્રિવેણીથી આ અભિયાનને જવલંત સફળતા અપાવવી છે.

તેમણે કહ્યું કે, આંગણવાડીઓની કાર્યકર બહેનો ભુલકાંઓનું લાલન-પાલન માતા યશોદા તરીકે કરતી આવી છે. હવે, આંગણવાડીઓની વ્યથા દૂર કરવી વ્યવસ્થા કરી આપવાનું દાયિત્વ આપણું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, આ આંગણવાડી કાર્યકર બહેનોએ 'મારી આંગણવાડી સુપોષણયુકત આંગણવાડીનો ધ્યેય અપનાવી તેમની આંગણવાડીનું કોઇ જ બાળક કુપોષિત ન હોય તેની કાળજી લેવી જોઇએ.

તેમણે આ સંદર્ભમાં એમ પણ ઉમેર્યુ કે, આ વર્ષ દરમિયાન એટલે કે આગામી તા.ર૬ જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં જે આંગણવાડી કાર્યકર, આશા વર્કર – એ.એન.એમ.ના વિસ્તારની આંગણવાડી સંપૂર્ણ સુપોષિત હશે તેવી શ્રેષ્ઠ કામગીરી કરનારી બહેનોને રૂ. ૧ર હજાર થી રૂ. ૬ હજાર સુધીના પુરસ્કારથી સન્માનિત કરાશે.

રાજય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મહિલા-બાળ કલ્યાણ રાજયમંત્રી શ્રીમતી વિભારીબહેન દવે તથા બોર્ડ-નિગમોના પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો-વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મહિલા બાળવિકાસ સચિવશ્રી મનિષાચંન્દ્રાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

જામનગર ખાતે પોષણ અભિયાનને જનાભિયાન બનાવવાના સંદર્ભે મ્યુનિસીપલ કમિશનરશ્રી સતિષ પટેલે કહ્યું હતુ કે, કુપોષણએ આપણા ગુજરાતનુ કલંક છે. આ મુશ્કેલી સામાજિક છે ત્યારે બાળકોના વાલીઓનુ કાઉન્સેલીંગ પણ અતિ મહત્વનુ છે. ડોકટરોના માર્ગદર્શન, આંગણવાડી બહેનો, એ.એન.એમ. અને આશા બહેનોનો પરિશ્રમ અને સુપરવિઝન સાથે જામનગરના દરેક અધિકારીઓ/પદાધિકારીઓ આ અભિયાનમાં જોડાઈને જન સંવેદના અને જન ભાગીદારીથી આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરીએ.

પોષણયુકત ગુજરાત બનાવવાની દિશામાં આગળ વધવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાળકો, કિશોરીઓ અને માતાઓએ એક જીવન ચક્રના પડાવ છે એ ચક્રને કુપોષણથી દુર કરવા કાઉન્સેલીંગ અને લોકોની ટેવોને બદલીને આ ચક્રને સુપોષીત બનાવવા માટે લોકોને આ અભિયાનમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.  જામનગર ખાતે મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષભાઈ જોષી, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી રાયજાદા તેમજ અન્ય પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(1:14 pm IST)