Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અમદાવાદમાં રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા

રાજુ સ્વદેશી, દિનેશ જૈન અને અજય શ્રીધર, શરદ પટેલ સહિતના ટોચના ડાયરેકટરોના નિવાસસ્થાન - ઓફીસ ઉપર ૨૪ સ્થળોએ ૧૫૦થી વધુ આવકવેરાનો કાફલો તપાસમાં જોડાયો : અમદાવાદ - વડોદરા - રાજકોટના અધિકારીઓ તપાસમાં જોડાયા

રાજકોટ, તા. ૨૮ : ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ પૂર્ણતા આડે હવે માત્ર બે માસ જ બાકી છે ત્યારે આવકવેરા વિભાગ તેના નિર્ધારીત લક્ષ્યાંકને પાર કરવા સર્વેની કામગીરી તેજ કરી છે. આવકવેરા વિભાગ ગુજરાત એકમના તમામ રીજીયોનલ વિભાગમાં સર્વે અને સર્ચની કામગીરીની પ્રાથમિકતા લાંબા સમય પૂર્વે ચાલુ હતી. હવે એકશન થઈ રહ્યાનું જાણવા મળે છે.

અમદાવાદમાં ટોચના રીયલ એસ્ટેટ જૂથ ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હોવાનું જાણવા મળે છે. અમદાવાદ આવકવેરાની ગુપ્તચર શાખાના વડપણ હેઠળ અમદાવાદ ટોચના રીયલ એસ્ટેટ જૂથના ગ્રુપ ઉપર આજ વ્હેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામેલ છે.

આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના ટોચના રીયલ એસ્ટેટ જૂથના શ્રી રાજુભાઈ સ્વદેશી, તેમના પાર્ટનર દિનેશભાઈ જૈન, અજયભાઇ શ્રીધર, મારૂતિ ગ્રુપના શરદભાઈ પટેલના નિવાસસ્થાન - ફેકટરી અને ઓફીસના સ્થળોએ ૧૫૦થી વધુ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ત્રાટકયો હતો.  જાણવા મળતી વિગતો મુજબ આવકવેરા વિભાગ દ્વારા ઉપરોકત બિલ્ડર જૂથ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ટોચના વેપારી જૂથ દ્વારા મોટાપાયે જમીન તેમજ અન્ય રોકાણને આધારે દરોડા પડ્યા હોવાનું મનાય છે.

આવકવેરા વિભાગ અમદાવાદના પોસ વિસ્તારમાં ૨૪ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવકવેરાના દરોડાને પગલે રીયલ એસ્ટેટ જૂથ સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરાના ટોચના અધિકારીઓ સાથે રાખી અમદાવાદમાં બોડકદેવ વિસ્તાર, સિંધુભવન રોડ, થલતેજ રોડ સહિતના વિસ્તારમાં ૨૫થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આવકવેરા વિભાગના દરોડામાં મોટી રકમની કરપાત્ર રકમ મળવાનો નિર્દેશ સૂત્રોએ આપ્યો છે. તેમજ આવકવેરા દરોડાની કામગીરી મોડી રાત્રી અથવા આવતીકાલ સુધી લંબાય તેવી શકયતા વ્યકત થઈ રહી છે.

(11:31 am IST)