Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

હેલ્મેટ મુદે સરકાર હાઇકોર્ટમાં ફરી ગઇ

હેલ્મેટ નહિ પહેરો તો ૫૦૦નો દંડ? શું લોકો ટોપો પહેરવા તૈયાર છે? ફરી ઘર્ષણના કિસ્સાઓ બનશે?

અમદાવાદ, તા.૨૮: હેલ્મેટ પહેરવા પર અપાયેલી છૂટ અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં યૂટર્ન માર્યો છે. સરકારે પોતાના સ્ટેન્ડ પરથી ફરી જતાં કોર્ટમાં જણાવ્યું છે કે હેલ્મેટ ફરજિયાત જ છે. સરકારે એમ પણ કહ્યું છે કે હેલ્મેટમાં છૂટછાટ આપવા તેણે કોઈ પરિપત્ર બહાર પાડ્યો જ નથી. માત્ર વાહન ચલાવનારાએ નહીં, પાછળ બેસનારાએ પણ હેલ્મેટ પહેરવું પડશે તેવું પણ સરકારે કોર્ટને જણાવ્યું છે.

હાઈકોર્ટે આ મામલે પરિવહન સચિવને એફિડેવિટ ફાઈલ કરવા માટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડની રકમ વધતા લોકોમાં જોરદાર રોષ હતો. જેમાં હેલ્મેટ ન પહેરવા પર ૫૦૦ રુપિયાનો દંડ હોવાથી દ્યણી જગ્યાએ પબ્લિક અને પોલીસ વચ્ચે દ્યર્ષણ પણ સર્જાયાના કિસ્સા બન્યા હતા. આખરે સરકારે નવેમ્બર ૨૦૧૯માં હેલ્મેટના કાયદામાં રાહત આપી હતી.

ગુજરાત સરકારે હેલ્મેટ મરજિયાત કરી દેતા જોરદાર હોબાળો પણ થયો હતો. કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજય સરકારને સવાલો કર્યા હતા. જોકે, સરકારે પોતાને કાયદાનો પોતાની રીતે અમલ કરાવી શકે છે તેમ કહી હેલ્મેટમાં રાહત ચાલુ રાખી હતી. વળી, હેલ્મેટમાં અપાયેલી રાહત હંગામી હોવાનો પણ સરકારનો દાવો હતો.

જોકે, આ મામલે ભીંસ વધતા ગઇકાલે ગુજરાત હાઈકોર્ટમાં રાજય સરકારે ફેરવી તોળતાં હેલ્મેટ ફરજિયાત જ હોવાનું જણાવતા ફરી લોકોને હેલ્મેટ પહેરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સીએમ રુપાણી તેમજ મંત્રી આરસી ફળદુએ હેલ્મેટ પહેરવાથી મળેલી રાહત ગમે ત્યારે સમાપ્ત થઈ શકે છે તેવા સંકેત આપ્યા જ હતા.

સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ના વિરુદ્ઘમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવામાંથી મુકિત આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલમેટ ફરજિયાત છે, પણ ગુજરાત રાજય સરકાર દ્વારા આ કાયદાને હંગામી ધોરણે મોકૂફ રાખવામાં આવેલ હતો, જે સમાચાર એક પ્રેસ નોટ દરમિયાન લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

આમ કોઈપણ રાજય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવો હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજયની વિધાનસભામાં પસાર થયેલો કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો રહે છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટીફીકેશન બહાર પાડીને કાયદો અમલમાં મૂકાય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ ફકત રાજકીય હેતુ માટે ફકત પ્રેસનોટ આપીને શેહરીવિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરવામાં આવેલ હતું.

સેન્ટ્ર્લ મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ સેકશન ૧૨૯ મુજબ ટુ વ્હિલર ચલાવનારા અને પાછળ બેસનારા વ્યકિત બંનેએ ફરજીયાત હેલ્મેટ પેહારવાનું હોય છે. જેમાંથી ૪ વર્ષ સુધીના બાળકો અને શીખ સમુદાયને આ કાયદામાંથી મુકિત આપવામાં આવી છે. જે નિયમમાં સુધારો કરીને રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજરાત મોટર વ્હીકલ નિયમ ૧૯૮૯જ્રાક્નત્ન ટુ વ્હિલર પાછળ બેસનાર મહિલા અને ૧૨ વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવામાંથી મુકિત આપવામાં આવી છે.

અન્ય રાજયોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહનચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત હોય છે, ત્યારે ગુજરાતમાં હેલ્મેટ પહેરવામાંથી મુકિત કેમ?

કેન્દ્ર સરકારના આંકડા મુજબ વર્ષ ૨૦૧૮થી ભારતમાં ૪૩૬૧૪ લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પહેરવાથી મોતને ભેટ્યા હતા. જયારે આ આકડો વર્ષ ૨૦૧૬ માં ૩૫,૯૭૫ હતો. એટલે કે ૨ વર્ષમાં ૯.૧૦ ટકા મૃત્યુઆંક વધી ગયો છે.

ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલ હતો. જેમાં રાજય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટ પણે ઉલ્લેખ પણ છે. સુરતના જાગૃત નાગરિક સંજય ઈઝાવા દ્વારા આ મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

(10:52 am IST)