Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

હવે ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે એએમઅમાં વ્યાખ્યાનમાળા

૨૯મીએ વિશેષ વ્યાખ્યાનનું આયોજનઃ ૩૦ વર્ષોથી ગ્રામ્ય જીવન પર સંશોધન કરનાર સાઇનાથ રૂરલ ઇન્ડિયા સંદર્ભે ખુબ જ ઉપયોગી વ્યાખ્યાન આપશે

અમદાવાદ, તા.૨૭, દેશના જાણીતા અને સુપ્રસિધ્ધ પત્રકાર પી.સાઇનાથ તા.૨૯મી ડિસેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે છે. ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે તા.૨૯મી ડિસેમ્બરે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન(એએમએ) ખાતે આયોજિત ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાં પી.સાઇનાથ ડિજિટલ યુગમાં ૮૩ કરોડ ભારતીયોના વૃતાંતો-અનુભવો તેમ જ ગ્રામીણ ભારતનો લોકસંગ્રહ વિષય પર બહુ ઉપયોગી વ્યાખ્યાન આપશે એમ અત્રે ગુજરાતના ગૌરવવંતા કવિ અને સાહિત્યકાર સ્વ.ઉમાશંકર જોશીના પુત્રી અને ગંગોત્રી ટ્રસ્ટના ટ્રસ્ટી એવા સ્વાતિ જોશી અને નિરંજનભાઇ ભગતે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ઉમાશંકર જોશીની સ્મૃતિમાં દર વર્ષે ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે આ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે અને દેશભરમાં કોઇ નિષ્ણાત તજજ્ઞ મહાનુભાવોને બોલાવી મહત્વના અને સંવેદનશીલ વિષય પર પ્રવચનનું આયોજન કરાય છે કે જેથી સાંપ્રત સમાજના લોકો તેનાથી વાકેફ થાય અને સમાજમાં વિષય સંબંધી જાગૃતતા પણ કેળવાય. આ વખતે તા.૨૯મી ડિસેમ્બરે એક સમયના હિન્દુ સમાચારપત્રના ગ્રામીણ ઘટનાઓના તંત્રી અને પ્રસિધ્ધ પત્રકાર પી.સાઇનાથ ડિજિટલ યુગમાં ૮૩ કરોડ ભારતીયોના વૃતાંતો-અનુભવો તેમ જ ગ્રામીણ ભારતનો લોકસંગ્રહ વિષય પર ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન આપશે. સાઇનાથ છેલ્લા ત્રીસ વર્ષોથી ગ્રામીણ જીવન, ત્યાંના લોકો અને તેમની સંસ્કૃતિ સહિતના વિષયો પર સંશોધન અને અભ્યાસ કરી રહ્યા છે અને તેથી તેમની પાસે ગ્રામીણ જીવન વિશેની અખૂટ માહિતીઓનો ભંડાર છે. તેમણે અત્યારસુધીમાં ગ્રામીણક્ષેત્રમાં એક લાખ કિલોમીટર કરતાં વધુનો પ્રવાસ ખેડયો છે. આ સંશોધન અને અભ્યાસ પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ દેશમાં જે આર્થિક અને સમાજિક અસમાનતા પ્રવર્તી રહી છે તે ચિંતાના વિષયને ઉજાગર કરવાનો છે અને તેના નિવારણની દિશામાં અસરકારક પ્રયાસનો છે. ગંગોત્રી ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વાતિ જોશી અને નિરંજનભાઇ ભગતે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રસિધ્ધ પત્રકાર સાઇનાથ પારી(પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા-ગ્રામીણ ભારતનો લોકસંગ્રહ)ના સ્થાપક સભ્ય છે. ભારતની રાષ્ટ્રીય ચેતનામાં ગ્રામીણ ગરીબોને સ્થાન આપવા માટેની તેમની પ્રતિબધ્ધતાના પ્રયાસ બદલ તેમને રામોન મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ગ્રામીણ જીવન અને ક્ષેત્રના લગભગ ૨૦૦ જેટલા વિશિષ્ટ અહેવાલો, માહિતીનું વિવરણ, અસંખ્ય ફોટાઓ અને દસ્તાવેજી રૂપરેખા સહિતની કેટલીક બાબતો વ્યાખ્યાન દરમ્યાન સચિત્ર રજૂ થશે. સાઇનાથ ગ્રામીણ ગરીબો લોકોના અનુભવો, ખેતી વિષયક કટોકટી, ગ્રામીણ મહિલાઓની સામાજિક ઉપેક્ષા, ગ્રામીણ દુર્દશા સહિતના અનેકવિધ મુદ્દાઓ પર તેમના વ્યાખ્યાનમાં છણાવટ કરશે.

(10:12 pm IST)