Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉધાસ બંધુઓએ લોકોને ગઝલ રસમાં તરબોળ કર્યા

કાર્નિવલની રંગતની સાથે શહેરના રિવરફ્રંટ ખાતેઃ શહેરના રિવરફ્રંટ ખાતે પંકજ ઉધાસ, મનહર ઉધાસના કાર્યક્રમને માણવા પ્રજાજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

અમદાવાદ, તા.૨૭, અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે સતત દસમા વર્ષે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં એક તરફ કાંકરિયા કાર્નિવલની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ સાબરમતી રિવરફ્રંટ ખાતે આવેલા ઈવેન્ટ ગ્રાઉન્ડ ખાતે પંકજ ઉધાસ બેલડીએ મોટી સંખ્યામાં ઉમટી પડેલા અમદાવાદીઓને ગઝલના રસમાં તરબોળ કરી દીધા હતા.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શહેરના કાંકરિયા વિસ્તારમાં કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.આ કાર્નિવલમાં પરંપરાગત અટલ એકસપ્રેસ,વિવિધ પ્રકારની રાઈડસ અને વિવિધ પ્રકારના મનોરંજક કાર્યક્રમો શહેરીજનો સમક્ષ રજુ કરવામા આવી રહ્યા છે એમાં પણ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનેસ્કો તરફથી અમદાવાદ શહેરને વૈશ્વિક દરજ્જાના હેરીટેજ શહેરનો ટેગ આપવામાં આવ્યા બાદ કાર્નિવલમાં સૌ પ્રથમ વખત કાંકરિયા લેકમાં પ્રવેશવાની મુખ્ય એન્ટ્રી પર અમદાવાદ શહેરની ઓળખ સમાન એવા દરવાજાઓની પ્રતિકૃતિ પણ મુકવામાં આવી છે.સાથે જ તંત્ર દ્વારા પ્રથમ વખત ફોરલેયર લાઈટીંગના કરવામાં આવેલા આયોજનને કારણે સમગ્ર લેક પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલના સતત ૧૦ મા વર્ષ અને અમદાવાદ શહેરને હેરીટેજ સીટીનો દરજ્જો આપવામાં આવ્યા બાદ આ વર્ષે સૌ પ્રથમ વખત શહેરના ભદ્ર પ્લાઝા અને સાબરમતી રિવરફ્રંટ ખાતે પણ મનોરંજન સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેના ભાગરૂપે સાબરમતી રિવરફ્રંટ ખાતે આવેલા ઈવેન્ટ ગ્રાઉન્ડ ખાતે બુધવારે સાંજે ૭ કલાકે પંકજ ઉધાસ અને મનહર ઉધાસનો શામ-એ ગઝલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાની જાહેરાત મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવી હોઈ ગઝલ અને આ બંને ભાઈઓના ચાહકો સમય કરતા પણ ઘણાં વહેલા સારી જગ્યાએ સ્થાન લેવા બેસી ગયા હતા સામે પક્ષે ઉધાસ બંધુઓએ શ્રોતાઓની પસંદ મુજબનું ગાન કરીને શહેરીજનોને રસ તરબોળ કરી દીધા હતા.આ સાથે જ  લેકફ્રંટ ખાતે કિંજલ દવે દ્વારા પર્ફોમન્સ રજુ કરવામાં આવ્યું હતું  તો રિવર ફ્રંટ ખાતે ફયુઝન રોકબેન્ડનું આયોજન  ૨૮ ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે.

(10:12 pm IST)