Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગુજરાત રાજયના નવરચિત મંત્રીમંડળનો પરિચયઃ કેબિનેટ કક્ષાના ૮ અને રાજયકક્ષાના ૧૦ મંત્રીઓએ પદ અને ગુપ્‍તતાના સોગંદ લીધા

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ બુધવાર તા.ર૭ ડિસેમ્બરે બપોરે અમદાવાદના સાયન્સ સિટીમાં રપમી નેશનલ ચીલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા પછીના પ્રથમ જાહેર કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન-પ્રેરણા આપવા ઉપસ્થિત રહેવાનો પહેલરૂપ અભિગમ અપનાવ્યો છે. 

તા. ર૭ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સાયન્સ સિટી પરિસરમાં યોજાઇ રહેલી આ રપમી ચીલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સાતત્યપૂર્ણ વિકાસ સાથે દિવ્યાંગ વ્યકિતઓને વિશેષત: વિજ્ઞાન-ટેકનોલોજી અને ઇનોવેશન્સના લાભ પહોચાડવાની મુખ્ય વિષય વસ્તુ સાથે યોજાવાની છે.

આ ચીલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં આ વર્ષે એશિયન રાષ્ટ્રોના પ૦ બાળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લેવાના છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, નેશનલ ચીલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની અત્યાર સુધી યોજાયેલી ર૪ શૃંખલાઓમાં વિવિધ ૧૩ વિષય વસ્તુઓ પર ફોકસ કરવામાં આવ્યું છે જેમાં પર્યાવરણ, પોષણ, કલીન અપ ઇન્ડીયા, જળસંશાધન, જૈવિક વિવિધતા, જમીન સંશાધનો, ઊર્જા તેમજ કલાયમેટચેન્જ જેવા વિષયોમાં બાળ વૈજ્ઞાનિકોએ ઇનોવેટીવ પ્રોજેકટસ અને નાવિન્યપૂર્ણ સંશોધનો સફળતાપૂર્વક રજૂ કર્યા છે.

રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીશ્રીઓનો વિશેષ પરિચય

મુખ્‍યમંત્રીશ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલને આજે સચિવાલય સંકુલ, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ હોદ્દા અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્‍યા હતા. આ પ્રસંગે મુખ્‍યમંત્રી-નાયબ મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ કક્ષાના ૮ અને રાજ્ય કક્ષાના ૧૦ મંત્રીશ્રીઓએ પણ પદ અને ગુપ્‍તતાના શપથ લીધા હતા.

રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીશ્રીઓનો વિશેષ પરિચય આ પ્રમાણે છે.

કેબીનેટ કક્ષાના મંત્રીશ્રીઓ :

(૧) શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ(આર.સી.ફળદુ)

કેબીનેટ મંત્રી તરીકે શપથ લેનારા શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ(આર.સી.ફળદુ)નો જન્મ ૭, ઓગસ્ટ-૧૯૫૭ના રોજ જામનગર જિલ્લાના કાલાવાડ ખાતે થયો હતો. તેમણે પ્રિ-સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. કૃષિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રી ફળદુ દસમી ગુજરાત વિધાનસભા ૧૯૯૮થી ૨૦૦૨, અગિયારમી વિધાનસભા ૨૦૦૨-૨૦૦૭ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે.

(૨) શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા

શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા તેરમી વિધાનસભામાં પ૮-ધોળકા વિધાનસભા મતવિભાગમાંથી ચૂંટાયા છે. તેઓનો જન્મ તા. ૮-પ-૧૯પ૦ના રોજ થયો હતો. તેઓ શિક્ષણ અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે. શ્રી ચુડાસમાએ બી.એ. (અંગ્રેજી), બી.એડ. (અંગ્રેજી, હિન્દી), એલ.એલ.બી. સુધીનું શિક્ષણ મેળવેલ છે. તેરમી વિધાનસભામાં તેઓ વર્ષ-૨૦૧૨થી શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો હવાલો સંભાળી રહયા હતા. પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના મંત્રી મંડળમાં વર્ષ-૨૦૧૪થી શિક્ષણ તેમજ અન્ન અને નાગિરક પુરવઠા વિભાગની જવાબદારી સંભાળી હતી.

શ્રી ચૂડાસમા ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેબીનેટકક્ષાના મંત્રી તરીકે  તરીકે ઉમદા સેવાઓ આપી છે.

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અગાઉ આઠમી અને નવમી વિધાનસભાના સભ્ય હતા અને ૧૯૯૦ અને ૧૯૯પના મંત્રીમંડળમાં તેમજ અગિયારમી વિધાનસભામાં કૃષિ, પશુપાલન મંત્રી તરીકે સેવાઓ આપી હતી. શ્રી ચુડાસમા ભારતીય જનતા પક્ષ અમદાવાદના પ્રમુખ, ૧૯૮૧ થી ૧૯૮૩ ગુજરાત પ્રદેશ યુવા મોરચના પ્રમુખ અને ૧૯૮૪ થી ૧૯૮૬ સુધી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના મંત્રી તરીકે હતા. શ્રી ચુડાસમા સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમણે રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી છે. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેતી, વાંચન અને યુવક પ્રવૃત્તિઓમાં વિશેષ અભિરૂચિ ધરાવે છે.

(૩) શ્રી કૌશિકભાઇ જમનાદાસ પટેલ

તા.૨૦મી સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ અમદાવાદ ખાતે જન્મેલા શ્રી કૌશિકભાઇ જમનાદાસ પટેલ અમદાવાદના નારણપુરા ખાતેથી ૧૪મી વિધાનસભામાં ચૂંટાયા છે. તેઓએ કોમર્સ સાથે સ્નાતકની પદવી  મેળવી છે. તેઓ વ્યવસાય ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે પણ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપે છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૮૭માં અમદાવાદ ખાનપુર વોર્ડના મ્યુનિ.કાઉન્સીલર તરીકે ચૂંટાઇને કરી હતી. ૧૯૯૦માં પ્રથમ વખત શાહપુર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

૧૯૯૫-૯૬માં બીજી વખત ધારાસભ્ય પદે વિજેતા થયા હતા અને રાજકીય કક્ષાના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ ૧૯૯૯-૨૦૦૨ દરમિયાન ગુજરાત સરકારમાં ઉર્જા, પેટ્રો કેમીકલ અને આયોજન વિભાગના કેબીનેટ મંત્રી તરીકે તેમજ ૨૦૦૨-૨૦૦૭માં ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઇને મહેસૂલ, અન્ન નાગરિક પુરવઠા-ગ્રાહક બાબતો વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન તરીકે કેબીનેટ મંત્રી રહ્યા હતા. ઉપરાંત તેમણે ૨૦ મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતિના રાજ્યના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

તેમને વાંચન, સમાજસેવા, ક્રિકેટ તેમજ આધ્યાત્મિક પ્રવૃતિઓનો શોખ છે.

 (૪) શ્રી સૌરભભાઇ પટેલ (દલાલ)

શ્રી સૌરભભાઇ પટેલ તેરમી વિધાનસભામાં ૧૦૭- બોટાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમનો જન્મ તા. ૨૮- ઓગષ્ટ ૧૯૫૮માં થયો છે. વાણિજ્યમાં સ્નાતક થયેલા શ્રી પટેલે યુ.એસ.એ.માંથી એમ.બી.એ.ની પદવી પણ મેળવી છે. તેમનો મુખ્ય વ્યવસાય વેપાર છે. દસમી ગુજરાત વિધાનસભા વર્ષ ૧૯૯૮-૨૦૦૨માં તેઓ ચૂંટાયા હતા. અગિયારમી વિધાનસભા દરમિયાન તા. ૨૨મી ડિસેમ્બર ૨૦૦૨થી રાજ્ય સરકારમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, આયોજન અને પ્રોટોકોલ વિભાગના રાજ્યકક્ષાના  મંત્રી તરીકે તેમણે સેવા બજાવી છે. જયારે ૧રમી વિધાનસભા વર્ષ ર૦૦૭-ર૦૧ર દરમિયાન તેઓએ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ તેમજ ઉઘોગ રાજ્ય મંત્રી તરીકે સેવાઓ આપી છે. શ્રી સૌરભભાઇ પટેલ મે-૨૦૧૪થી પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં કેબીનેટકક્ષાના  મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

શ્રી સૌરભભાઇ પટેલ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષ ૧૯૯૯-૨૦૦૨ દરમિયાન ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશનની એડવાઇઝરી સમિતિના સભ્ય તરીકે રહ્યા હતા.  તેઓ વર્ષ ૨૦૦૦-૨૦૦૨ દરમિયાન  અખિલ ગુજરાત વિઘુત કામદાર સંધના ઉપાધ્યક્ષ પણ હતા. શ્રી પટેલ વર્ષ ૨૦૦૦-૨૦૦૨ દરમિયાન જી.ઇ.બી. એન્જીનીયર્સ એસોસીએશનના અધ્યક્ષ પણ હતા. તેઓ  વર્ષ ૧૯૯૮-૨૦૦૨ દરમિયાન વિધાનસભાની વહિવટી સુધારણા સમિતિ તેમજ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અમલીકરણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રમત ગમત અને તરણનો  શોખ ધરાવતા શ્રી પટેલે અમેરીકા, યુરોપ અને  આફ્રિકાનો વિદેશ પ્રવાસ પણ ખેડયો છે. તેમના  પરિવારમાં પત્નિ અને એક પુત્ર છે.

(૫) શ્રી ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા

શ્રી ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા તેરમી વિધાનસભામાં દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ વિધાનસભા મત ક્ષેત્રમાંથી ચૂંટાયા છે. તેઓશ્રી સને ર૦૦રથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ઉમદા સેવાઓ આપી રહ્યા છે. શ્રી ગણપતભાઇ વસાવાએ ગુજરાત વિધાનસભાના ૧૬માં અધ્યક્ષ બની આદિજાતિ સમાજના પ્રથમ અધ્યક્ષ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ૧૩મી વિધાનસભામાં તેઓ વર્ષ-૨૦૧૨થી વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, વૈદ્યાનિક અને સંસદીય બાબતો વિભાગનો હવાલો સંભાળ્યો હતો. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના કાર્યકાળ દરમિયાન તેઓ વિધાનસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. શ્રી વસાવા ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેબીનેટકક્ષાના મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

શ્રી ગણપતભાઇ વસાવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે. સને ૧૯૭૧ના જૂન મહિનાની ૧લી તારીખે જન્મેલા શ્રી વસાવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામના વતની છે અને વનવાસી ક્ષેત્રમાં આદિવાસીઓના સર્વાંગીણ ઉત્કર્ષ અને કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રેરક અને સંસ્થાપક તરીકે યશસ્વી કારકિર્દી ધરાવે છે. સતત ત્રણ ટર્મથી વિધાનસભા સભ્ય તરીકે કાર્યરત રહેલા શ્રી ગણપતભાઇ વસાવાએ છેલ્લી બે ટર્મથી ગુજરાત વિધાનસભા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ સહિતની વિવિધ સમિતિના અધ્યક્ષ તરીકે યશસ્વી યોગદાન આપ્યું છે.

જેમાં વિધાનસભા વન વિભાગ અને આદિજાતિ વિભાગ પરામર્શ સમિતિ, વિધાનસભા વન અધિકાર સમિતિ, વિધાનસભા સદસ્ય નિવાસ સમિતિ, ગૌણ વિધાન સમિતિ, જાહેર સાહસોની સમિતિ અને ગૃહના મેજ ઉપર મૂકવાના કાગળો અંગેની સમિતિના સભ્ય તરીકે તેઓ કાર્યરત રહ્યાં છે. શ્રી ગણપતભાઇ વસાવાએ વનબંધુ કલ્યાણ યોજનાની રાજ્ય કક્ષાની સમીક્ષા અને સલાહકાર સમિતિના સભ્ય, ગુજરાત રાજ્ય વનવિકાસ નિગમના પૂર્વ ડિરેકટર તરીકે સેવાઓ આપી છે. સમાજ સેવા, પુસ્તક પ્રીતિ અને રમત-ગમતના ક્ષેત્રે વિશેષ રૂચી ધરાવતા શ્રી ગણપતભાઇ વસાવા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અને આદિવાસી ઉત્કર્ષ અભિયાનોના પ્રણેતા અને સક્રિય આગેવાન રહ્યા છે. તેઓશ્રી સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી, ઉમરપાડા તાલુકાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, વનવાસી સમાજના યુવાપેઢી માટે રમત-ગમત કૌશલ્યની સ્પર્ધાઓ યોજે છે. આ ઉપરાંત વનવાસી ક્ષેત્રમાં, આ ટ્રસ્ટના ઉપક્રમે ગૌસેવા અને ગૌદાન, પશુ સારવાર શિબિરો, વિકલાંગ સેવા સહાય, ગરીબ અને વનબંધુ પરિવારો માટે અન્નદાન અને વસ્ત્રદાન, કુદરતી આફતો સમયે અસરગ્રસ્તો માટે રાહત કાર્યો તથા સંત-મેળાવડા યોજીને આદિવાસીઓમાં વ્યસનમૂકિત ઝૂંબેશ કરતા રહ્યાં છે.

(૬)  શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા

શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડીયા ૭૪-જેતપુર મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. ૧રમી ગુજરાત વિધાનસભા ર૦૦૯-૧ર (પેટાચૂંટણી) વિધાનસભા સભ્ય તરીકે રહી ચૂકયા છે તથા તેરમી ગુજરાત વિધાનસભા (ર૦૧ર-૧૭)માં ચૂંટાયા છે. વેપાર અને સમાજસેવા સાથે સંકળાયેલા શ્રી જયેશભાઈ રાદડિયા શ્રી વ્રજવલ્લભ સોશિયલ ગ્રૃપ, જામકંડોરણા અને સ્વ. નંદુબહેન હંસરાજભાઈ રાદડિયા ચેરીટેબલ ટ્રસ્ટ, જામકંડોરણા પ્રમુખ તરીકે સેવાઓ આપી છે. તેઓએ બી.ઇ. (સિવિલ) સુધીનો અભ્યાસ કરેલ છે. તેરમી વિધાનસભામાં તેઓ વર્ષ-૨૦૧૩થી પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગનો રાજ્ય મંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો હતો.

વર્ષ ૨૦૧૪થી પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના મંત્રી મંડળમાં પ્રવાસન અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો હતો. શ્રી જયેશભાઇએ ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

તા. ર૦મી ડિસેમ્બર, ૧૯૮૧માં જામકંડોરણા, જિ. રાજકોટ ખાતે જન્મેલા શ્રી જયેશકુમાર રાદડિયા ક્રિકેટનો શોખ ધરાવે છે. તેમણે થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ કરેલ છે.     

(૭)   શ્રી દિલીપકુમાર વીરાજીભાઇ ઠાકોર

શ્રી દિલીપકુમાર વીરાજીભાઈ ઠાકોર ૧૭-ચાણસ્મા મત વિભાગમાંથી ૧૩મી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯પ૯ના રોજ થયો છે. તેઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

શ્રી ઠાકોરે આઠમી ગુજરાત વિધાનસભા ૧૯૯૦-૯પ, દશમી ગુજરાત વિધાનસભા ૧૯૯૮-ર૦૦ર અને અગિયારમી ગુજરાત વિધાનસભા ર૦૦ર-૦૭ દરમ્યાન ધારાસભ્ય તરીકે સેવાઓ આપી છે. તેઓ ૧૭ ઓકટોબર, ર૦૦૧થી તા. રરમી ડિસેમ્બર, ર૦૦ર સુધી ગુજરાત સરકારમાં નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા. તા. રરમી ડિસેમ્બર, ર૦૦રથી ૩૧મી જુલાઇ, ર૦૦પ સુધી પશુપાલન અને મત્સ્યોઘોગ વિભાગ તથા તા. ૧લી ઓગસ્ટ, ર૦૦પથી ર૪મી ડિસેમ્બર, ર૦૦૭ સુધી કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી છે.

૧૩મી વિધાનસભામાં તેઓ વર્ષ-૨૦૧૩થી પશુપાલન, મત્સ્યોઘોગ, ગૌ સંવર્ધન, છાપકામ અને લેખન સામગ્રી વિભાગનો રાજ્ય મંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના મંત્રી મંડળમાં વર્ષ- ૨૦૧૪થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી તરીકેની જવાબદારી તેઓ સંભાળતા હતા.  શ્રી દિલીપભાઇ ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

(૮) શ્રી ઇશ્વરભાઇ રમણભાઇ પરમાર

શ્રી ઇશ્વરભાઇ (અનીલ) રમણભાઇ પરમાર ૧૬૯, બારડોલી (અ.જા.) મત વિભાગમાંથી ચૂંટાયા છે. તેઓનો જન્મ ૧લી માર્ચ ૧૯૭૧ના રોજ મુ.બાબલા, તા.બારડોલી, જિ.સુરત મુકામે થયો હતો. તેઓએ ધોરણ-૧૨(કોમર્સ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓનો વ્યવસાય ખેતી અને વેપાર છે. તેઓ બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ અને અનુસૂચિત જાતિ મોરચો બારડોલી તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે; બારડોલી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે તેમજ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતી વ્યક્તિ છે. તેઓના શોખમાં વાંચન, ક્રિકેટ, આરોગ્ય, શિક્ષણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ છે.

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ :

(૧) શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા

શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા તેરમી વિધાનસભામાં ૪૩-વટવા વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટાયા છે.

શ્રી જાડેજા રસાયણશાસ્ત્રના વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક થયા છે. કેમીકલ કન્સલ્ટન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી જાડેજા અગિયારમી ગુજરાત વિધાનસભામાં વર્ષ ર૦૦ર-ર૦૦૭ દરમિયાન ગુજરાત વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિના પ્રમુખ રહ્યા હતા.

બારમી વિધાનસભામાં વર્ષ ર૦૦૭ થી ર૦૧ર દરમિયાન તેઓ કાયદો અને ન્યાયતંત્ર તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તરીકે પ્રવૃત્ત રહ્યા હતા. ૧૩મી વિધાનસભામાં તેમણે વર્ષ-૨૦૧૨થી કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદિય બાબતો, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને પ્રોટોકોલ વિભાગનો રાજ્ય મંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો હતો. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની સરકારના વર્ષ-૨૦૧૪થી કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદિય બાબતો, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને પ્રોટોકોલ વિભાગનો રાજ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.

શ્રી પ્રદિપસિંહ ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે. તેઓ અમદાવાદ મહાનગરપાલિકામાં કોર્પોરેટર પણ રહી ચૂકયા છે. ક્રિકેટની રમતનો શોખ ધરાવતા શ્રી જાડેજાએ અમેરિકા અને યુરોપના દેશોનો પ્રવાસ ખેડયો છે. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર છે.

(૨) શ્રી પરબતભાઇ સવાભાઇ પટેલ

શ્રી પરબતભાઇ પટેલ ૮-થરાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમનો જન્મ તા. ૪ સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ થયો છે. તેમણે  બી. એ. એલ. એલ. બી.નો અભ્યાસ કર્યો છે. સમાજસેવા સાથે સંકળાયેલા શ્રી પરબતભાઇ પટેલ વર્ષ ૧૯૮૫ અને વર્ષ ૧૯૯૫માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. શ્રી પટેલ રાજ્યકક્ષાના નાણાં મંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂકયા છે. બારમી વિધાનસભા વર્ષ ર૦૦૭ થી ર૦૧ર દરમિયાન તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પાણી પુરવઠો અને સહકાર વિભાગના રાજ્ય મંત્રી હતા. તેઓ બનાસડેરી તથા બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. તેઓ વાવ-થરાદ આંજણા પટેલ કેળવણી મંડળના પ્રમુખ પણ છે.

 (૩) શ્રી પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી

શ્રી પરષોત્તમભાઇ સોલંકી ૧૦૩-ભાવનગર (ગ્રામ્ય) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગનો ડિપ્લોમા ધરાવતા શ્રી સોલંકીનો જન્મ તા. ૨૩મી મે, ૧૯૬૧ના રોજ થયો છે. બાંધકામ ક્ષેત્રે પ્રવૃત્ત શ્રી સોલંકી દસમી વિધાનસભામાં ચૂંટાયા બાદ તા. ૧૩મી માર્ચ ૧૯૯૮થી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નાયબ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ અગિયારમી વિધાનસભામાં ઓગષ્ટ ૨૦૦૫થી  પશુપાલન, મત્સ્યોઘોગ અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે. બારમી વિધાનસભામાં શ્રી સોલંકી પશુપાલન, મત્સ્યોઘોગ અને ગૌસંવર્ધન વિભાગના રાજ્ય મંત્રી હતા. શ્રી પરષોત્તમભાઇ ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં રાજ્ય મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

વર્ષ ૧૯૯૨માં અંધેરી મુંબઇના નગર સેવક રહી ચૂકેલાં શ્રી સોલંકી  અંધેરી મુંબઇ ખાતે સ્પે. એક્ઝીક્યુટીવ ઓફિસર પણ રહી ચૂક્યા છે. શ્રી સોલંકી ગુજરાત યુવા કોળી સમાજ, બોડી બિલ્ડીંગ એસોસીએશન, બચુભાઇ કાંમડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઓધવજી રામજી ચેરીટેબલ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓના પ્રમુખ તરીકે સક્રિય રહયા છે. રમતગમત, સંગીત અને સામાજિક પ્રવૃત્તિનો શોખ ધરાવતા શ્રી સોલંકીએ ઇંગ્લેન્ડ, સ્વિટઝર્લેન્ડ, વિયેટનામ, દુબઇ, સિંગાપોર, ફ્રાંસ વગેરે દેશોનો પ્રવાસ પણ ખેડયો છે. તેઓના પરિવારમાં પત્નિ બે પુત્ર અને ત્રણ પુત્રી છે.

(૪)  શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ

શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ ૧૩૪-દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયા છે. તા.૧લી એપ્રિલ-૧૯૫૫માં ધાનપુર તાલુકાના પીપેરો ગામે તેમનો જન્મ થયો. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે.  એસ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. શ્રી ખાબડે ૧૧મી ગુજરાત વિધાનસભાના(૨૦૦૨ થી ૨૦૦૭) સભ્ય તરીકે સેવાઓ આપેલ છે. ૧૩મી વિધાનસભામાં વર્ષ-૨૦૧૪થી પૂર્વ મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના મંત્રી મંડળમાં મત્સ્યોદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી હતા. શ્રી બચુભાઇ ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં રાજ્ય મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

પીપેરો બીનસરકારી સંસ્થાના મંત્રી, જાગણી અભિયાન ટ્રસ્ટ- વડોદરા, પેપેરો દુધ મંડળીના ઉપપ્રમુખ તરીકે કોળી સમાજ ટ્રસ્ટના સભ્ય તરીકે જિલ્લા પુરવઠા સલાહકાર બોર્ડ અને ટી.એસ.પી.બોર્ડ દાહોદના સભ્ય તરીકે સેવાઓ આપી છે. અનેક શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં સેવાઓ આપી રહેલા છે. સમાજ સેવા શિક્ષણ અને વાંચન તથા ધાર્મિક પ્રવૃત્તિ તેમના રસના વિષયો છે. પરિવારમાં પત્ની બે પુત્ર અને પુત્રી છે.

(૫) શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર

શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર ૧ર૮-હાલોલ વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટાયા છે. શ્રી જયદ્રથસિંહજી પરમારે બી.કોમ., ડી.ટી.પી., ડી.એલ.પી., એલ.એલ.બી., એલ.એલ.એમ. પાર્ટ-૧ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી પરમાર અગિયારમી ગુજરાત વિધાનસભા વર્ષ ર૦૦ર-ર૦૦૭, બારમી વિધાનસભા ર૦૦૭-ર૦૧ર સુધી સભ્ય તરીકે તેમજ ફેબ્રુઆરી-ર૦૧૧ થી રપમી ડિસેમ્બર, ર૦૧ર સુધી રાજ્યકક્ષાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી તરીકે સેવાઓ આપેલી છે. ૧૩મી વિધાનસભામાં તેઓ વર્ષ-૨૦૧૩થી માર્ગ અને મકાન વિભાગનો રાજ્ય મંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો હતો. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેનના મંત્રી મંડળમાં તેમણે વર્ષ-૨૦૧૪થી માર્ગ મકાન વિભાગની રાજ્યકક્ષાની જવાબદારી સંભાળી હતી. શ્રી જયદ્રથસિંહજી ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં રાજ્ય મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

શ્રી પરમાર એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફેકલ્ટી પ્રતિનિધિ, પંચમહાલ જિલ્લા સહકારી સંધ, ગોધરામાં ડિરેકટર, હાલોલ તાલુકા પંચાયતના સભ્ય અને કારોબારી સમિતિના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે. શ્રી પરમાર ક્રિકેટ, વાંચન એ સેવાકીય પ્રવૃત્તિઓનો શોખ ધરાવે છે. ૧૩મી વિધાનસભામાં ચૂંટાયેલા શ્રી જયદ્રથસિંહજી પરમારનો જન્મ તા. રપ જુલાઇ, ૧૯૬૪ના રોજ વડોદરા ખાતે થયો હતો.

(૬)  શ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ

શ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલનો જન્‍મ તા. ૨૫મી જૂન, ૧૯૬૫ના રોજ ભરૂચ જિલ્‍લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે થયો હતો. તેઓએ બી.એ., એલ.એલ.બી. (જનરલ) સુધીનો અભ્‍યાસ કર્યો છે.

શ્રી પટેલ ૧૧મી વિધાનસભા વિધાનસભા ૨૦૦૨-૦૭ તથા ૧૨મી વિધાનસભા  ૨૦૦૭-૧૨માં વિધાનસભ્‍ય તરીકે ચૂંટાયા હતા. તેમણે જાહેર સાહસો માટેની સમિતિ, પંચાયતી રાજ સમિતિના સભ્‍ય તરીકે તેમજ રજી ફેબ્રુઆરી, ૨૦૧૧થી પચ્ચસમી ડિસેમ્‍બર-૨૦૧૨ સુધી સહકાર, રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવાઓ પ્રદાન કરી હતી. શ્રી ઇશ્વરસિંહ ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં રાજ્ય મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી છે.

તેમણે ખેડૂત ખાંડ સહકારી મંડળી, પાંડુકેશ્વર સેવા ટ્રસ્‍ટ, ભુવનેશ્વરી દૂધ ઉત્પાદક મંડળી, ગુજરાત રાજ્ય સહકારી ખાંડ મંડળી, ભરૂચ જિલ્‍લા તળપદા કોળી સમાજ એજ્યુકેશન ટ્રસ્‍ટ, ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલ, ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ હાંસોટ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય, ભરૂચ જિલ્‍લા ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રમુખ, વિશ્વ હિન્‍દુ પરિષદ, હાંસોટ પ્રખંડના ઉપપ્રમુખ તરીકેની પ્રવૃત્તિઓ કરી હતી.

શ્રી પટેલના પરિવારમાં ૫ત્‍ની તથા એક પુત્ર તથા બે પુત્રીઓ છે. 

(૭) શ્રી વાસણભાઇ ગોપાલભાઇ આહિર

શ્રી વાસણભાઇ ગોપાલભાઇ આહિર, ૦૪-અંજાર મત વિભાગમાંથી ચૂંટાયા છે. તા.૩૦મી  જુલાઇ-૧૯૫૮ના રોજ અંજાર ખાતે જન્મેલા શ્રી આહિરે ધોરણ-૭ સુધીનો અભ્યાસ કર્યો છે.  ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા તેઓ ૧૯૯૫-૯૭ નવમી ગુજરાત વિધાનસભામાં સભ્ય, ૧૯૯૮-૨૦૦૨માં દસમી ગુજરાત વિધાનસભામાં સભ્ય, ૨૦૦૭-૨૦૧૨ બારમી ગુજરાત વિધાનસભામાં સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાતવર્ગના કલ્યાણ વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે તથા તેરમી ગુજરાત વિધાનસભા વર્ષ-૨૦૧૨-૨૦૧૭માં પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ તેમજ શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં સંસદીય સચિવ તરીકે કાર્યરત હતા.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનમાં પ્રમુખ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘમાં ત્રણ ટર્મથી કાર્યકારી પ્રમુખ, ખેત ઉત્પન્ન બજાર સમિત-અંજારમાં ડિરેકટર તરીકે સેવાઓ આપી છે. તેમને ઘોડેસવારી, ભજનો તથા ગાયનોનો શોખ છે. તેમણે મસ્કત અને દુબઇનો વિદેશ પ્રવાસ પણ ખેડ્યો છે.

(૮) શ્રીમતી વિભાવરીબેન વિજયભાઇ દવે

શ્રીમતી વિભાવરીબેન વિજયભાઇ દવે, ૧૦૪-ભાવનગર(પૂર્વ) મત વિભાગમાંથી ચૂંટાયેલા છે. ૯મી જાન્યુઆરી-૧૯૫૯ના રોજ લીલીયા ખાતે જન્મેલા શ્રીમતી દવેએ એમ.કોમ., ડી.સી.એ., સી.સી.એ.પી.(યુ.કે.) ડી.સી.ઓ.(ઇગ્નુ)નો અભ્યાસ કરેલો છે. તેમનું વ્યવસાયક્ષેત્ર સમાજસેવા છે. તેમની સંસદીય કારિકર્દીની શરૂઆત બારમી વિધાનસભા ૨૦૦૭-૨૦૧૨ દરમિયાન થઇ હતી. હાલ તેરમી વિધાનસભામાં વર્ષ-૨૦૧૨થી ધારાસભ્ય તરીકે ઉમદા સેવાઓ આપી રહ્યા છે. શ્રીમતી વિભાવરીબેન ઓગસ્ટ-૨૦૧૬થી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં સંસદીય સચિવ તરીકે કાર્યરત હતા.

તેઓ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર/મેયર અને સભ્ય તરીકે સેવાઓ આપી છે. સીનિયર સીટીઝન માટે કાર્યરત સંસ્થાના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો દ્વારા તેઓ સતત કાર્યરત રહે છે.  તેમણે રાજ્યપાલશ્રીનો એવોર્ડ મેળવ્યો છે, તથા પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરવા બદલ ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એમ્બેસેડર પણ જાહેર કરાયા હતા. તેમને તત્વજ્ઞાન, જીવન મૂલ્યોને લગતા પુસ્તકોનું વાંચન, ગઝલ, કવિસંમેલનો સાંભળવાનો શોખ છે. તેમણે ફિલીપાઇન્સનો વિદેશ પ્રવાસ પણ ખેડ્યો છે.

(૯) શ્રી રમણલાલ નાનુભાઇ પાટકર

શ્રી પાટકર રમણલાલ નાનુભાઇ ૧૮૨, ઉમરગામ (અ.જ.જા.) મત વિભાગ માંથી ચૂંટાયા છે. તેઓનો જન્મ તા.૧લી જૂન ૧૯૫૨ના રોજ ધોડીપાડા, તા. ઉમરગામ, જિ. વલસાડ મુકામે થયો હતો. તેઓએ ધોરણ-૯ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓનો વ્યવસાય ખેતી છે. તેઓ નવમી, દસમી, બારમી અને તેમની વિધાનસભાના સભ્ય હતા.

શ્રી પાટકર ઉમરગામ તાલુકા વારલી સમાજના મંત્રી, ઉમરગામ તાલુકા આદિવાસી મોરચો ભારતીય જનતા પક્ષના ઉપ-પ્રમુખ તરીકે; વલસાડ જિલ્લા ભારતીય જનતા પક્ષનામંત્રી, જે.એન.સી. હાઇસ્કૂલ ટ્રસ્ટ -મરોલી, શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ ટ્રસ્ટ-માણેકપોરના પ્રમુખ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ ડેલીગેટ, ઉમરગામ તાલુકા જનતાદળના પૂર્વ પ્રમુખ, સરીગામ વિભાગ આદિવાસી ગ્રામોદ્યોગ સહકારી મંડળી લિના પૂર્વ  વહીવટદાર, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યપદે; ઝારોલી આદિવાસી ટ્રસ્ટની હાઇસ્કૂલના ટ્રસ્ટી,  દમણગંગા સુગર ફેકટરીના ચેરમેન તેમજ ઉમરગામ તાલુકા જનતાદળના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રમુખ તરીકેની કારકિર્દી ધરાવે છે. તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

 (૧૦) શ્રી કિશોરભાઇ સવાભાઇ કાનાણી (કુમાર)

શ્રી કિશોરભાઇ સવાભાઇ કાનાણી(કુમાર) ૧૬૧ વરાછા રોડ મત વિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી ડિસેમ્બર- ૧૬૬૨ના રોજ જૂના સાવર (અમરેલી) ખાતે થયો છે. તેમનો મુખ્ય વ્યવસાય ટેક્ષટાઇલ્સનો છે. તેઓ ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકાના મેયર હતા. તેઓ ૧૩મી વિધાનસભાના પણ સભ્ય હતા. તેમને  વાંચનનો શોખ છે. તેવું PRO શ્રી જીતેન્‍દ્ર રામીની યાદી જણાવે છે.

(9:41 pm IST)