Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું : વિજેતાઓને ચેમ્‍પીયન ટ્રોફી એનાયત કરાઇ

સુરત : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજીત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે એક વિશિષ્‍ટ ટનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ કુંદીયાણા ગામના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ ક્રિકેટ ટુર્નામેન્‍ટ કરંજ, કુંદીયાણા, કીમ અને સાયણ એમ ચાર ઝોનમાં રમાડવામાં આવી હતી. જેમાં તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

ટુર્નામેન્‍ટનાં ઉદઘાટન પ્રસંગે સૌને સંબોધતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડિનેટર કિરીટભાઇ પટેલે જણાવ્‍યું હતું કે આવા વિશિષ્‍ટ આયોજન થકી શિક્ષકો તેનાં રૂટિન કાર્યબોજથી હળવાફુલ થશે, સાથે જ શિક્ષકો-શિક્ષકો વચ્‍ચે નવા સંબધો પ્રસ્‍થાપિત થશે, તેમનાં વચ્‍ચે આત્‍મીયતા અને ભાઇચારો કેળવાશે જેનાથી તેમનામાં કાર્ય કરવાનું ચોકકસ નવું બળ ઉમેરાશે. આ સાથે જ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ સોસાયટીના સેક્રેટરી ઠાકોરભાઇ પટેલે પણ પોતાનાં પ્રાસંગિક વકતવ્‍યમાં ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

ટુર્નામેન્‍ટની તમામ લીગ મેચ બાદ પ્રથમ સેમી ફાઇનલ કીમ ઝોન અને કુંદીયાણા ઝોન વચ્‍ચે રમાઇ હતી. જેમાં કીમ ઝોનનાો વિજય થયો હતો. જયારે બીજી સેમી ફાઇનલ કરંજ ઝોન અને સાયણ ઝોન વચ્‍ચે રમાઇ હતી. જેમાં સાયણ ઝોનનો વિજય થયો હતો.

ટુર્નામેન્‍ટની ફાઇનલ મેચમાં સાયણ ઝોન અને કીમ ઝોનની ટીમો ટકરાઇ હતી. કીમ ઝોને ટોસ જીતી પ્રથમ દાવ લેતા ૧૨ ઓવરમાં ૮૯ રન કર્યા હતા. સાયણ ઝોન ૧૧ ઓવરમાં ૬૨ રન બનાવી ઓલઆઉટ થયું હતું. આમ આ આંતર ઝોન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કીમ ઝોન ચેમ્‍પિયન બન્‍યું હતું. ફાઇનલ મેચમાં બી.આર.પી.આકાશ પટેલ ‘મેન ઓફ ધી મેચ' તથા ‘મેન ઓફ ધી સિરિઝ' જાહેર થયા હતાં. જયારે બેસ્‍ટ બોલર તરીકે કરમલા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક હર્ષદ ચૌહાણ ઘોષિત થયા હતાં.

અંતમાં ટુર્નામેન્‍ટના દાતા નિવૃત મામલતદાર હરીભાઇ પટેલ (કપાસી)ના હસ્‍તે વિજેતાઓને ચેમ્‍પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કુંદીયાણા ગામના ઉપસરપંચ બાલુભાઇ પટેલ, રાકેશભાઇ પટેલ (કુંદીયાણા), હરીલાલ પટેલ (કુંદીયાણા), પ્રમોદભાઇ પટેલ (કુંદીયાણા),સુરેશભાઇ પટેલ (કુંદીયાણા) તથા તાલુકા સંઘના હોદેદારોએ ઉપસ્‍થિત રહીને ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત દર્શકોએ પણ આ ટુર્નામેન્‍ટ મન ભરીને માણી હતી. ટુર્નામેન્‍ટને સફળ બનાવવા કુંદિયાણા ગામના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્‍ટમાં કોમેન્‍ટરર તરીકે વેલુક પ્રાથમિક શાળાના ઉપશિક્ષક દિનકર પટેલે સેવા બજાવી હતી. છેલ્લે આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી મહન્‍દ્રસિંહ ઠાકોરે કરી હતી. આમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજયભાઇ પટેલ એક યાદીમાં જણાવે છે.

(9:36 pm IST)