Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સુરતમાં ભાગીદારી પેઢીમાં નામે વેપારીએ 28 લાખની છેતરપિંડી આચરી

સુરત:કતારગામના વેપારીના ભાગીદારે ભાગીદારી પેઢીના નામે જ બીજું એકાઉન્ટ ખોલાવી તેમાં પેમેન્ટના ચેકો અને રોકડ રકમ જમા કરી રૃ।. ૨૮ લાખની ઉચાપત કરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ સીંગણપોર રોડ જે.પી.નગર પ્લોટ નં. ૩ સ્થિત પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ફલેટ નં. ૨૦૧માં રહેતા  વેપારી રાજેશભાઇ જીવરાજભાઇ નાવડીયાએ વર્ષ ૨૦૧૦માં તારક માવજીભાઇ  ભીંગરાડીયા (રહે. આઇ-૩૦૨, સર્જન વાટિકા, ડભોલી ગામ, સુરત. મૂળ રહે. બોટાદ) સાથે ભાગીદારીમાં હિલટેક્સના નામે કાપડનો વેપાર શરૃ કર્યો હતો. શરૃઆતમાં તેમની દુકાન અરિહંત આવાસ ટેક્સટાઇલ માર્કેટમાં હતી. રાજેશભાઇએ સમગ્ર ધંધો તારકને હવાલે જ કર્યો હતો.

જો કે, વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ દરમિયાન તારકે દુકાન જુદા જુદા માર્કેટોમાં ખોલી હિલટેક્સના નામે બીજું ખાતું ખોલાવી પેમેન્ટ પેટે આવતા વેપારીઓના ચેકો અને રોકડ રકમ તેમાં જમા કરાવ્યા હતા. તારકે હરેકૃષ્ણના નામે અન્ય એક ખાતું ખોલાવી તેમાં પણ દુકાનનું સરનામું નાંખી ચેકો- રોકડ રકમ જમા કરાવી હતી. બાદમાં તેણે બંને એકાઉન્ટમાંથી રોકડા રૃપિયા એટીએમ અને ચેક દ્વારા ઉપાડી લીધા હતા.

આ રીતે રૃ।. ૨૮ લાખ ઉપાડી ઉચાપત કરનાર તારકે રાજેશભાઇની ચેકબુકોમાંથી ૬ ચેકો ઉપર રાજેશભાઇની પત્નીની બોગસ સહી કરી તેમજ એક ચેક ઉપર રાજેશભાઇની બોગસ સહી કરી રૃ।. ૧૩,૩૯,૫૦૦ની રકમ ભરી ચેકો પેમેન્ટ માટે આપી રીટર્ન કરાવી કાયદાકીય ચુંગાલમાં ફસાવ્યા હતા.

આ અંગે રાજેશભાઇએ ગતરોજ તારક વિરૃદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી.એમ. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)