Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

નડિયાદ: મધરાત્રે એક સાથે બે મકાનમાં ચોરની પ્રયાસ થતા પોલીસ ફરિયાદ

નડિયાદ:શહેરના પશ્ચિમ વિસ્તારમાં એકજ રાતમાં બે મકાનોમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે. જ્યારે અન્ય એક મકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મેન્ટલ પથ્થર ઘરમાં ફેંકી લૂંટને અંજામ આપવાનું કાવતરુ રચ્યુ હતું. પરંતુ ઘરના માલિક અને આસપાસના લોકો જાગી જતાં આ કાવતરુ નિષ્ફળ નીવડતા તસ્કરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ ત્રણેય બનાવો અંગે  સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. પરંતુ પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં ન આવતા અનેક ચર્ચાઓએ શહેરમાં જોર પકડયું છે.

 


નડિયાદ શહેરના મિશન રોડ નજીક આવેલ સોસાયટીમાં બે મકાનોની અંદર ગત્ રાત્રે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તસ્કરોને આ બન્ને મકાનોમાં કઈ હાથે ન લાગતા તેઓ ફરાર થઈ ગયા હતા. મિશન રોડ નજીક  આવેલ સત્કાર સોસાયટીમાં મકાન નં.બી/૮ અને બી/૬માં ગત્ રાત્રે તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઉપરોક્ત મકાનમાં પ્રવેશ કર્યો હતો. મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ તિજોરીનું લોક તોડી સરસામાન વેર વિખરેલ કર્યો હતો. પરંતુ તસ્કરોને કઈ હાથે ન લાગતા તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા હતા. બાદમાં   આ અંગે મકાન માલિકને જાણ થતાં તેઓએ તુરંત શહેર પશ્ચિમ પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ ઘટના સ્થળે આવી તપાસ આદરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં લૂંટનો પ્રયાસ કરાયો છે. ઉપરોક્ત બનાવના સ્થળથી નજીકના અંતરે આવેલ સીટી જીઈબી પાસે મકાન નં.એ.૧/૮બીમાં રહેતા બળવંતભાઈ છગનભાઈ પટેલના ઘરે તસ્કરોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગત્ મધરાત્રે તસ્કરોએ બળવંતભાઈના મકાનને નિશાન સાંધી તેમના ઘરે મેન્ટલ પથ્થરો ફેંક્યા હતા. આ પથ્થરનો અવાજ સાંભળી બળવંતભાઈ અને તેઓના પરિવારજનો જાગી ગયા હતા. તપાસ કરતા બેથી ત્રણ જેટલા લોકો બૂકાની પહેરી પોતાના ઘરની બહાર ઉભા હતા. થોડા સમયમાં જ આસપાસના લોકો જાગી જતાં તસ્કરો તુરંત ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે મકાન માલિકે શહેર પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ત્રણેય  બનાવો અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નહોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે.

(5:53 pm IST)