Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ફેસબુક પર ફ્રેન્ડશિપ કરી લગ્નની લાલચ આપી યુવકે બળાત્કાર ગુજારતા ચકચાર

અમદાવાદ:શહેરના રાણીપની વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી નિકોલના યુવકે વ્હિસ્કી પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી હતી. રાજસ્થાન આબુ ખાતે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. ફેસબુક પર યુવતી અને નિકોલના પંકજની મિત્રતા થઇ હતી.

 

રાણીપ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી અભ્યાસ કરે છે. દરમિયાનમાં ચાર વર્ષ પહેલા ફેસબુક પર પંકજ કાંતિલાલ ઢુસા (ઉ.૨૧, રહે.શાંતિકુંજ બંગ્લોઝ, નિકોલ) સાથે મિત્રતા થઇ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને બંને વચ્ચે લગ્ન કરવાનુ નક્કી થયું હતું. દરમિયાનમાં બંને વચ્ચે ઝઘડો થતાં યુવતીને પંકજે પલંગ નીચે ફેંકી દીધી હતી અને સીડીમાંથી નીચે ઉતરતા ગળુ પણ દબાવ્યુ હતુ. બંને વચ્ચે નવેમ્બર મહિનામાં બ્રેક અપ થઇ ગયુ હતુ.

બાદમાં પાંચ દિવસ બાદ બન્ને વચ્ચે વાત ચીત થઇ હતી. તેવામાં પંકજે યુવતીને જણાવ્યુ હતુ કે, મિત્ર નિરવ દરજી અને તેની પત્ની રાજસ્થાન જવાના છે તું આવીશ તો આપણે જઇએ. તેથી યુવતી ઘરે જાણ કર્યા વગર ૨૨મી ડિસેમ્બરે એક્ટીવા લઇ ગેલેક્ષી સિનેમા પાસે ગઇ હતી અને ત્યાથી પંકજ અને નિરવ સાથે કારમાં રાજસ્થાન આબુ જતી રહી હતી. આબુમાં હોટલ શિવાલીકમાં રોકાયા હતા અને ત્યા પંકજે વીસ્કી પીવડાવી શરીર સબંધ બાધ્યો હતો.

દરમિયાનમાં બીજી હોટલમાં પણ બીજા દિવસે રોકાયા હતા ત્યા પણ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાધ્યો હતો. બાદમાં પરત ફર્યા હતા ત્યારે પંકજે જણાવ્યુ હતુ કે, હું આજે કે કાલે તારી સાથે લગ્ન કરીશ નહી. ગત ૨૨મી ડિસેમ્બરે કોલેજ જવાનુ કહીને યુવતી રાજસ્થાન જતી રહેતા રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોધાઇ હતી. બાદમાં યુવતી પરત ફરતા બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોધાઇ હતી.

(5:50 pm IST)