Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ભરતસિંહ સોલંકીએ કરી રાજીનામાની ઓફર

ગુજરાતની હાર ને નૈતિક જવાબદારી સ્વિકારીઃ હાઈકમાન્ડ સંગઠનમાં ફેરફાર કરવા ઈચ્છતી હોય તો : હાઈકમાન્ડે યથાવત રહેવા આપી સૂચનાઃ સંભવત ૨૦૧૯ સુધી ફેરફાર ન પણ થાય

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ પણ કોંગ્રેસની હારમાં જીત છે તેવું સૂચક વિધાન કરી છે. આમ છતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાર સ્વીકારીને લોક ચૂકાદો શિરોમાન્ય માની પોતાના રાજીનામાની ઓફર સામે ચાલીને હાઈકમાન્ડ સમક્ષ કર્યાનું જાણવા મળે છે. જો કે હાઈકમાન્ડ યથાવત રહેવા સૂચના આપી છે. એમ પણ મનાય છે કે ૨૦૧૯ સુધી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે ભરતસિંહ સોલંકીને ચાલુ રખાશે.

તાજેતરની રાહુલ ગાંધી અને રાજ્ય પ્રભારી અશોક ગેહલોત ગુજરાત આવ્યા હતા ત્યારે વાતચીત દરમ્યાન ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાઈકમાન્ડને જણાવ્યું હતુ કે ગુજરાતની ચૂંટણી હાર્યા છીએ ત્યારે મારી નૈતિક જવાબદારી અને ફરજ છે કે મારે રાજીનામુ સુપ્રત કરવુ જોઈએ.

ગુજરાતની આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની રણનીતિને અનુલક્ષીને પણ હાઈકમાન્ડને સરળતા રહે તેવા સારા ઉદ્દેશથી પોતાની કોંગ્રેસ પ્રત્યેની નિષ્ઠા અને નૈતિકતાના કારણે ભરતસિંહ સોલંકીએ સામે ચાલીને હાઈકમાન્ડને ઉપર મુજબ જણાવ્યાનું મનાય છે.

જો કે રાષ્ટ્રીય અગ્રણીઓએ ભરતસિંહ સોલંકીની નિષ્ઠા અને નૈતિકતાની કદર કરીને હાલ આવું કાંઈ ન વિચારવા તથા યથાવત જવાબદારી આગળ ધપાવવા કહ્યાનું મનાય છે.

કોંગ્રેસ સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ સંભવત ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી ભરતસિંહ સોલંકીને જ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રખાય તેવી સંભાવના છે.

(3:58 pm IST)