Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વિશ્વ દિવ્યાંગ દિવસ: 3 ડિસેમ્બરે વડતાલધામમાં રચાશે વિશ્વ વિક્રમ : 700થી વધુ ફ્રી કુત્રિમ હાથ પગ લગાડાશે

આટલી મોટી સંખ્યામાં જરુરિયાતમંદોને નિ:શુલ્ક હાથ પગ લગાવી અને સ્વાભિમાન સભર જીંદગી જીવવાની તક આપવાનો પ્રયાસ થશે.

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં આગામી 3 ડિસેમ્બરમના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે જગતની અનેક સંસ્થાઓ દિવ્યાંગોના દુ:ખમાં ભાગીદાર થવા અને તેઓને માનસિક પીઠબળ આપવા માટે કાર્યક્રમો કરતી હોય છે. જયારે તીર્થરાજ વડતાલધામ આ વિશ્વ દિવ્યાંગ દિવસે તેઓના દુ:ખમાં ભાગીદાર થવાના બદલે તેમને સુખીયા કરવાનો પ્રયત્ન કરશે.

કોઈ પણ કારણોસર પોતાના હાથ પગ ગુમાવી ચૂકેલા 700 ઉપરાંત વ્યક્તિઓને વડતાલ સંસ્થાન અને શ્રી ગોકુલધામ-નાર,અમેરિકા સ્થિત ગ્રુપ Helping Hand For Humanity ના આર્થિક સહયોગથી એકસાથે એક જ દિવસમાં નિ:શુલ્ક Hi-tech prosthetic Limb એટલે કે કૃત્રિમ હાથ પગ લગાડી આપવામાં આવશે. આ વિશ્વની પહેલી ઘટના છે કે, એકસાથે આટલી મોટી સંખ્યામાં જરુરિયાતમંદોને નિ:શુલ્ક હાથ પગ લગાવી અને સ્વાભિમાન સભર જીંદગી જીવવાની તક આપવાનો પ્રયાસ થશે.

વડતાલ વિશ્વ દિવ્યાંગ દિવસે એક અનોખો વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં આશિર્વાદ પ્રાપ્ત છે વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 શ્રી રાકે પ્રસાદજી મહારાજના. આ કાર્યક્રમ “એક કદમ દિવ્યાંગ સેવા કી ઔર”ના સાક્ષી બનવા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ તેમજ સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તથા રાજકીય અને સામાજીક કાર્યકરો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે તેનું વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી ડૉ. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું.

આ આશક્ય લાગતા ભગીરથ કાર્યક્રમને શક્ય બનાવી દુ:ખી દિવ્યાંગજનોના જીવનમાં સુખને પુન:પ્રસ્થાપિત કરવા 3 ડિસેમ્બરે હરિભક્તોની 31 સમિતિઓ બનાવવામાં આવી છે. આ દિવસે દિવ્યાંગજનોને નિ:શુલ્ક કૃત્રિમ હાથપગ આપી દોડતા કરવા 180 ડોક્ટર, 50 નર્સ અને 500 જેટલા સ્વંયસેવકો પોતાની સેવા આપવા માટે હાજર રહેશે.

વધુમાં ગોકુલધામ નારના શ્રી શુકદેવ સ્વામીજીએ જણાવ્યું છે કે, આ કાર્યક્રમ ભલે ત્રીજી ડિસેમ્બરે થવાનો છે પણ સંભવ બનાવવા માટે છેલ્લા ત્રણ મહિનાથી 100 જેટલા સ્વંયસેવકો પોતાની સતત સેવા આપી રહ્યા છે. આ સ્વંયસેવકોની અથાક એકાદ લાખ માનવ સેવા તથા સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરવા અને ઈશ્વર એમને જે શક્તિ અને સંપત્તિ આપી છે એ સતકાર્યમાં વાપરવા અમેરિકા સ્થિત Helping Hand For Humanity ગ્રુપના શૈલેષ પટેલ અને મનન શાહ દ્વારા એકત્ર કરાયેલ ડોનેશનના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો છે.

આ કાર્યક્રમમાં દિવ્યાંજનોની અત્યાર સુધીની જીંદગી ભલે કષ્ટદાયક રહી હોય પણ આવનારું જીવન તેઓ સુખીરુપ પસાર કરે એવા આશિર્વાદ આપવા વડતાલ સંસ્થાના ચેરમેન પૂજય દેવપ્રકાશ સ્વામી તથા વડતાલ સંસ્થાના સદગુરુ સંતો,છોરોડી ગુરુકુળથી પૂજય માધવપ્રિય સ્વામી, અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ પૂજય નૌતમપ્રકાશ સ્વામી, કુંડળધામથી પૂજય જ્ઞાનજીવન સ્વામી, ડભોઈથી પૂજય કૃષ્ણપ્રિય સ્વામી તથા નારથી પૂજય મોહનપ્રસાદ સ્વામી સહિત સદગુરુ સંતો પધારશે

(10:00 pm IST)