Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગામમાં વર્ષોથી પટેલને જ સરપંચ બનાવાતા હોવાનો મામલો હાઈકોર્ટના દરબારમાં

અરજદારની દલીલ, ગામમાં પટેલો કરતાં ઓબીસી અને દલિતની વસ્તી વધારે હોવા છતાંય ૧૯૫૮થી અત્યાર સુધી માત્ર પટેલો જ સરપંચ બન્યા છે

અમદાવાદ, તા.૨૬: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલૈયા ગામમાં છેક ૧૯૫૮થી અત્યારસુધી માત્ર પાટીદારને જ સરપંચ બનાવાતા હોવાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે કોર્ટે ગુરુવારે રાજયના ચૂંટણી પંચ તેમજ ગાંધીનગર જિલ્લા કલેકટરને નોટિસ પણ ઈશ્યૂ કરી છે.

પિટિશન ફાઈલ કરનારા અરજદારની દલીલ છે કે, પાલૈયા ગ્રામ પંચાયતમાં આજ સુધી દલિત કે ઓબીસીને સરપંચ બનવાનો મોકો નથી મળ્યો. તેના બદલે બિનઅનામત કેટેગરીમાં આવતી પટેલ જ્ઞાતિના ઉમેદવારને જ સરપંચ બનાવાય છે.

અરજદાર જિતેન્દ્રસિંહ ચૌહાણે પોતાના વકીલ ધર્મેશ ગુર્જર મારફતે દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યું છે કે, ચૂંટણી તંત્ર દ્વારા પણ સરપંચના પદ માટે અત્યારસુધી અનામતના નિયમો લાગુ કરવામાં નથી આવ્યા. તેના માટેનું રોસ્ટર અમલમાં નથી મૂકાયું, જેથી દલિત અને ઓબીસી સમુદાયનો વ્યકિત આજ સુધી ગામનો સરપંચ નથી બની શકયો.

અરજદારની એવી પણ દલીલ છે કે ગામની વસ્તીના ૪૫ ટકા ઓબીસી અને ૧૦ ટકા દલિત છે. પંચાયત એકટની જોગવાઈ અનુસાર, સરપંચની ચૂંટણીમાં અનામતના નિયમ લાગુ નથી કરાયા. જેથી ગામમાં વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિનો જ ઉમેદવાર સરપંચ બની શકે છે, વળી આ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ ૧૫ ટકા જ છે. જોકે, મહિલા અનામતની જોગવાઈનો ગ્રામ પંચાયતમાં અમલ કરાયો છે, પરંતુ તેમાં પણ ૨૦૧૭જ્રાક્નત્ન પાટીદાર મહિલાને જ સરપંચ બનાવાયા હતા.

આ મામલે દાયકાઓ સુધી દુર્લક્ષ્ય સેવનારા તંત્ર સામે પગલાં લેવાની માગ કરતા અરજદાર દ્વારા રોસ્ટરના નિયમો યોગ્ય રીતે અમલમાં ના મૂકાય ત્યાં સુધી આગામી પંચાયત ચૂંટણી પર સ્ટે મૂકવામાં આવે તેવું પણ જણાવ્યું છે. તેમણે કોર્ટને ચૂંટણી પંચને આદેશ આપી આગામી ચૂંટણીમાં પાલૈયા ગ્રામ પંચાયતની બેઠક ઓબીસી અથવા દલિત બેઠક જાહેર કરાય તેવી વિનંતી પણ કરી છે.

રાજયમાં દસ હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર, ૧૯ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે, અને ૨૧ ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી બેલેટ પેપરથી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ ૦૪ ડિસેમ્બર છે, જયારે ૦૭ ડિસે. સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. રાજયમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણી ખાસ્સી મહત્વની ગણાવાઈ રહી છે.

(11:39 am IST)