Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

માસ્ક નહિ પહેરનાર લોકોને કોવિડ સેન્ટરમાં 10 દિવસની નોન મેડિકલ સેવા કરવા મોકલી દયો : હાઇકોર્ટમાં અરજી

સરકારી વકીલે આ મુદ્દે સરકાર પાસે નિર્દેશ લેવા માટેનો સમય માંગ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેર વધવા છતાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમના ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે જેમાં અરજદારે અરજી કરી છે કે કોરોના મહામારીને ગંભીરતાથી ન લેનાર અને એકથી વધુ વાર માસ્ક ન પહેરતા ઝડપનાર લોકોને કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ ફેસિલિટી સેવા માટે મોકલવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી અને મોટી સંખ્યામાં માસ્ક ન પહેરનાર લોકો એસિમ્પટોમેટિક પોઝિટિવ આવે છે, ત્યારે તેઓ નિયમોનું પાલન કરે તેના માટે આ કોવિડ સેન્ટરની કમ્યુનિટી સેવા લાગુ કરી દેવી જોઈએ. જે લોકો માસ્ક ન પહેરે તેમને 10 થી 15 દિવસ સુધી કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ સ્ટાફ પર સેવા કરવા મોકલી દેવાની રજુઆત કરવામાં આવી હતી.સરકારી વકીલે આ મુદ્દે સરકાર પાસે નિર્દેશ લેવા માટેનો સમય માંગ્યો છે.

ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચે પણ લોકો કોરોનાને ગંભીરતાથી લેતા ન હોવાથી કમ્યુનિટી સેવાની ભલામણને લાગુ કરવા મુદ્દે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ સિવાય અરજીમાં એવી પણ રજુઆત કરવામાં આવી છે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 2 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવર જ્યારે અન્ય રાજ્યમાં અન્ય વિસ્તારમાં માસ્ક ન પહેરનાર પાસેથી 1 હજાર દંડ વસુલવામાં આવે. હાઈકોર્ટે સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મેટરને 1લી ડિસેમ્બરના રોજ અર્જન્ટ ધોરણે સાંભળશે.

(7:58 pm IST)