Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

નરેન્દ્રભાઈની ગુજરાત મુલાકાત ત્રણ કલાકની રહેશે : ચાંગોદર ઝાયડસ કેડિલામાં વેક્સિનની જાહેરાત કરશે

શનિવારે પુણેનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે: હેલિકોપ્ટરમાં ચાંગોદર ઝાયડસ કેડિલાની ફેક્ટરીમાં જશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી શનિવારે ગુજરાત આવી રહ્યા છે. તેઓ પુણેનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટરમાં ચાંગોદર ઝાયડસ કેડિલાની ફેક્ટરીમાં જશે અને ત્યાં જઇ વેક્સિનની જાહેરાત કરશે તેમ જાણવા મળે છે

   વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેમાં પણ ભારતમાં કોરોનાના કેસો લાખોની સંખ્યામાં પહોંચી ગયા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. તે અંગે આગામી શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના પુણે પછી અમદાવાદ આવશે. મહારાષ્ટ્રમાં તેઓ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન અંગે જાહેરાત કરવાના છે. ત્યારબાદ તેઓ તેમના હોમટાઉન ગુજરાત આવશે

   અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એક જ દિવસમાં બે મોટી ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન માટે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં આવેલી કેડિલા ફાર્માસ્યૂટિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે

ગૃહ વિભાગના સૂત્રના જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક દિવસનું ગુજરાતનું કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યું છે. તેઓ બપોરે ત્રણ વાગે પૂણાથી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ચાંગોદર જશે. ચાંગોદરમાં કેડિલા ફાર્મસીની જે કંપની આવેલી છે ત્યાં હેલિપેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ત્યાં તેઓ ઝાયડસ કેડિલા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વૈક્સિન અંગે જાહેરાત કરશે. તેમ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે

ચાંગોદરનું કાર્યક્રમ પુરુ કર્યા બાદ હેલિકોપ્ટરથી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી હવાઈ માર્ગે દિલ્હી રવાના થશે. વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ હજી સુધી ગુજરાત સરકારને મળ્યો નથી પરંતુ ગુજરાત સરકારે વડાપ્રધનની એક દિવસની ગુજરાત મુલાકાત અંગે સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી ચાંગોદર જશે અને ચાંગોદરથી સીધા હેલિકોપ્ટરથી અમદાવાદ એરપોર્ટ આવીને દિલ્હી રવાની થઇ જશે. તેમ સૂત્ર દ્વારા જાણવા મલ્યુ છે

(8:59 pm IST)