Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજ્યમાં ૯,૭૧૩ લોકરક્ષક જવાનને નિમણૂંકપત્ર અપાશે

પહેલી ડિસેમ્બરના દિવસે પત્રો એનાયત કરાશે : છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી ૧૨૦૦૧૩ યુવાનોને ભરતી કરી સરકારી સેવાઓમાં રોજગારી આપી : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ

અમદાવાદ,તા.૨૭ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કોંગ્રેસે ગુજરાતના યુવાનોને જૂઠ્ઠાણા ફેલાવીને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. ભૂતકાળમાં યુવાનોને સરકારી સેવાઓમાં ભરતી કાપ તેમની સરકારે મૂક્યો હતો તે અમારી સરકારે સત્તાના સુત્રો સંભાળતા જ આ કાપ દૂર કરીને સમયાનુસાર સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી પૂરી પાડી છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે. અને તે મુજબ ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને રોજગારી આપી છે. તે કોંગ્રેસને ખૂંચતુ હોઇ, યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી જીપીએસસી, ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના મંડળો દ્વારા વિવિધ વિભાગો માટે વિવિધ સંવર્ગની પરીક્ષાઓ લઇને પારદર્શિતાથી ૧,૨૦,૦૧૩ યુવાનોની ભરતી કરી છે. જેમાં રાજ્યના ૨૬થી વધુ વિભાગોમાં વર્ષ ૨૦૧૪માં ૨૦,૨૩૯, વર્ષ ૨૦૧૫માં ૨૪,૪૨૦, વર્ષ ૨૦૧૬માં ૧૦,૬૦૪, વર્ષ ૨૦૧૭માં ૪૭,૮૮૬, વર્ષ ૨૦૧૮માં ૧૫, ૩૨૯ અને ચાલુ વર્ષે ૧૫૩૫ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં ૯,૭૧૩ લોક રક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. આ ભરતી પ્રક્રિયાની શારિરીક કસોટી ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ ૧લી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા અનાર્મ લોકરક્ષક- ૩,૧૫૦, આર્મ્ડ લોકરક્ષક - ૬,૦૦૯, પુરૂષ જેલ સિપાઇ -૪૯૯, સ્ત્રી જેલ સિપાઇ - ૫૫ મળી કુલ ૯,૭૧૩ જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં નિયમોનુસાર ૨,૩૨૨ જેટલા અનુસૂચિત જાનજાતિના ઉમેદવારોએ પણ આ પરીક્ષા આપી હતી. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલતી હોઇ, તેના લીધે કામગીરી પૂર્ણ થઇ નથી. અપૂરતી ચકાસણીના કારણે સાચાને ન્યાય મળે અને ખોટો લાભ ન લઇ જાય તે માટે સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી હોઇ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પસંદગી પરિણામ તૈયાર થયા બાદ સત્વરે કરાશે. અનુસૂચિત જનજાતિના ૨,૦૬૧ ઉમેદવારોના દસ્તાવેજોની  ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઇ છે. તેઓને પણ ૧લી ડિસેમ્બરે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.  બાકી રહેતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.

(9:57 pm IST)