Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પોર્શે, રેન્જ રોવર, મર્સિડીઝ ડિટેન કરી ચાલકને દંડ કરાયો

અમદાવાદ ટ્રાફિક પોલીસનો સપાટો : ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવને પગલે લકઝુરીયસ કાર ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઇ : જંગી દંડ વસુલાયો

અમદાવાદ, તા.૨૭ : અમદાવાદ શહેરમાં આજે ટ્રાફિક પોલીસે લકઝુરીયસ કાર પર તવાઇ બોલાવી ખાસ અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લક્ઝુરીયસ કારોને ડિટેન કરી હતી. એટલું જ નહી, શહેર ટ્રાફિક પોલીસે સપાટો બોલાવી આવી લકઝુરીયસ કારના ચાલકોને આકરો દંડ પણ ફટકાર્યો હતો. શહેરના હેલ્મેટ સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ, સહિતના દસ્તાવેજો રજૂ ન કરી શકનારા ચાલકોની ગાડીઓ ડિટેન કરી લેવામાં આવી હતી. આ ડ્રાઇવમાં લાખો રૂપિયાનીં કિંમતની પોર્શે ૯૧૧ પણ ઝપટમાં આવી ગઈ હતી. પોલીસે ટ્વીટર હેન્ડલ પર આ ડ્રાઇવની માહિતી પણ આપી હતી. પોલીસે આજે યોજેલી ડ્રાઇવમાં લક્ઝુરીયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર તેમજ ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ અને વૈભવી કારને ડિટેન કરી હતી. અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી. પોલીસે આ સાથે સંદેશો આપ્યો હતો.

            આદત બદલો તો અમદાવાદ બદલાશે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું નાગરિકો પાલન કરે તે માટે અનેક જાગૃતિ અભિયાનો પણ યોજવામાં આવે છે. સરકારે દંડની રકમમાં રાહત આપી છે તેમ છતાં ગત કાયદાની જોગવાઈ કરતાં આ રકમ વધારે છે. દંડની રકમ વધી હોવા છતાં અમદાવાદીઓનું ટ્રાફિકના નિયમનમાં ઉદાસીન વલણ જોવા મળ્યું છે. તાજેતરમાંજ અમદાવાદ પોલીસે છેલ્લા ૩ મહિનામાં રેકોર્ડબ્રેક ૫.૭૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આજની ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવને પગલે લકઝુરીયસ કારચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

(9:52 pm IST)