Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુરત : ઘર કામ કરનારે ૧૭ લાખના ઘરેણાની ચોરી કરી

આઠ જ દિવસમાં કામવાળીએ હાથ સાફ કર્યો : પ્રોપર્ટી બ્રોકરના ઘરથી ધોળા દિવસે ચોરી કરી બે મહિલા ફરાર : ઘરની મહિલાની નજર ચૂકવી સિફતતાપૂર્વક ચોરી

અમદાવાદ, તા. ૨૭ : સુરતના સીટીલાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વારા નજીકની આશીર્વાદ પાર્કમાં આવેલા જી-૮૧૬ નંબરના મકાનમાંથી ઘરની કામવાળીએ જ રૂ.૧૭ લાખના દાગીના અને ૧૦ હજાર રોકડાની ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, આઠ દિવસ અગાઉ જ કામે લાગેલી કામવાળી મહિલાએ ઘરમાં હાથ સાફ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપી કામવાળીની શોધખોળ શરૂ કરી છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજ, ફ્લેટ નંબર જી-૮૧૬માં રહેતા અને પ્રોપર્ટી બ્રોકરનું કામ કરતાં શંભુનાથ પ્રહલાદરાય હિંમતસિંગકાના ઘરે ઝાડુ પોતાનું કામ કરવા આવેલ સંગીતા ઉર્ફે ભારતી બબલુ નિશાદ અને તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાન(રહે.ભટાર) સંગીતાએ શંભુનાથના દિકરાના બેડરૂમમાં આવેલ લાકડાના ફર્નીચરવાળા કબાટને ચાવીથી ખોલી ડ્રોઅરમાં રાખેલ રોકડા ૧૦ હજાર અને ૧૭ લાખના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ રૂ.૧૭ લાખ ૧૦ હજારની ચોરી કરી હતી.

           શંભુનાથે જણાવ્યું હતું કે, તેઓ પહેલા અલથાણ રહેતા હતાં. છેલ્લા છ મહિનાથી તેઓ સીટીલાઈટ રહેવા આવ્યા હતાં. દીકરાની ઘરે સંતાનનો જન્મ થયો હોવાથી કામવાળી શોધતા હતાં. તેમનો પૌત્ર ચાર મહિનાનો હોવાથી પત્ની અને પુત્રવધુને કામનું ભારણ ન રહે તે માટે કચરા, વાસણ અને પોતા માટે કામવાળી જોઈતી હોય વોચમેનને કહ્યું હતું. વોચમેને સંગીતાની મુલાકાત કરાવી હતી. છ દિવસ પહેલા જ સંગીતા કામ પર લાગી હતી. કામ પર લાગી ત્યારથી સંગીતા તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાનને સાથે લાવતી હતી. પૂજા પ્રેગનન્ટ હોય ઘરે એકલી ન મૂકી શકીએ એમ કહીને તેને સાથે લાવતી અને સંગીતા કામ કરતી હોય તે દરમિયાન ઘરના સોફા પર પૂજા બેસી રહેતી હતી.

               સંગીતાએ ચોરી કરી એ સમયે બપોરના ૧૨-૦૦ થી ૧-૦૦ વાગ્યાની વચ્ચે કથિત રીતે પ્રેગનન્ટ પૂજાએ શંભુનાથની પત્નીને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતાં. જ્યારે શંભુનાથની પુત્રવધુ બાળક રડતું હોય તેને શાંત કરવા અને તેને રમાડવામાં વ્યસ્ત હતી એ દરમ્યાન જ સંગીતાએ ચાવી વડે કબાટ ખોલીને ચોરી કરી લીધી હતી. ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયેલા શંભુનાથને જાણવા મળ્યું હતું કે, આ મહિલાઓ વિરૂધ્ધ અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયા છે. ઉમરા પોલીસમાં આ મહિલાઓના ફોટો સહિતના કેસ નોંધાયેલા છે. ગુજરાતી અને બિહારી ભાષામાં વાત કરતી આ મહિલાઓના સીસીટીવી સહિતની વિગતો શંભુનાથે ઉમરાપોલીસને આપી છે.જેથી પોલીસે ચોરી કરનાર મહિલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(9:48 pm IST)