Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

માત્ર ૩ ચોપડી ભણેલો સાધુ કરોડના સોદાઓ કરતો હતો

નકલી નોટોનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે તેની તપાસ : રાધારમણ કોમ્પ્યુટર મદદથી નકલી નોટો છાપવાનો ધંધો ચલાવતો હતો : સ્વામીનો રૂમ વૈભવી સુવિધાઓથી સજ્જ

અમદાવાદ, તા.૨૭ : અંબાવના સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા નકલી નોટો છાપવાના કૌભાંડની ચર્ચા હાલમાં રાજ્યથી લઇને સમગ્ર દેશમાં ફેલાઇ રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ થયા બાદ સાધુના નકલી નોટો સિવાય અનેક ધંધાઓ સામે આવ્યા છે. ત્યારે સ્વામીના અભ્યાસને લઇને એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આ વિષય પર સ્વામીના શિષ્યના જણાવ્યા અનુસાર, સ્વામીએ માત્ર ધોરણ ત્રણ સુધી જ અભ્યાસ કર્યો છે. ત્યારે સવાલ એ છે કે, માત્ર ત્રણ ચોપડી ભણેલો સ્વામી આટલા વર્ષોથી નકલી નોટો છાપવાનો ધંધો કેવી રીતે કરતો અને દેશ-વિદેશમાં કેવી રીતે પહોંચાડતો હતો. શું આ ધંધા પાછળ અન્ય કોઇ માસ્ટમાઇન્ડ છ ે? તેવી ચર્ચાઓ હાલમાં સ્થાનિકોમાં ચાલી રહી છે. પોલીસે હવે નકલી નોટોનું નેટવર્ક કયાં સુધી ફેલાયેલુ છે તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડતાલ સંસ્થાનના ખેડા જીલ્લામાં અંબાવ ગામ સ્વામીનારાયણ મંદિરનો એક કરોડથી વધુની ૨૦૦૦ના દરની ડુપ્લીકેટ ચલણી સાથે પકડાયો હતો. જેમાં સોમવારે તપાસ માટે સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી સહિતની એજન્સીઓ સુરત ક્રાઇમબ્રાંચની ઓફિસે આવી હતી. રાધારમણ સ્વામી, માસ્ટર માઇન્ડ પ્રવીણ ચોપડા સહિત પાંચેયની લગભગ ત્રણથી ચાર કલાક સુધી એજન્સીઓએ પૂછપરછ કરી હતી. જેમાં ડુપ્લીકેટ નોટો કયા કયા સપ્લાય કરી અને અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી હતી. પૂછપરછ દરમ્યાન સ્વામીના ભણતરની વાત ખુલતા પોલીસ પણ નવાઇ પામી હતી. માત્ર ધોરણ ત્રણ ચોપડી સુધી ભણેલો માણસ મોબાઇલ ફોન પણ યોગ્ય રીતે વાપરી નથી શકતો ત્યારે આ સ્વામી કોમ્પ્યુટરની મદદથી નકલી નોટો છાપવાનો ધંધો ચલાવતો હતો. સ્થાનિકોમાં ચર્ચા છે કે, અન્ય કોઇ વ્યક્તિ સ્વામીને આ નકલી નોટો છાપવા માટે ચોક્કસ રકમ આપતું હશે.  ઉલ્લેખનીય છે કે, સુરત ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને રાધારમણ સ્વામીના રૂમમાંથી ૫૦ લાખ રૂપિયાની નકલી નોટો ઝડપી પાડી હતી. તપાસ કરતા સ્વામીના રૂમમાં ઘણી બધી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી.ગોરખ ધંધાઓ ચલાવતો સ્વામી અહીં વૈભવી લાઇફ જીવતો હતો. સ્વામીના રૂમમાં ૫૦ ઇંચની એલઇડી સ્માર્ટ ટીવી, કપડાં ધોવા માટે વોશીંગ મશીન, આરામ કરવા માટે સોફા, ૧.૫થી ૨ ટનનું એસી તેમજ બાથરૂમની પણ વ્યવસ્થા છે. હાલમાં સુરત ક્રાઇમ બ્રાંચ આરોપીઓની પૂછપરછ કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં નકલી નોટોના સમગ્ર કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.

હવે રાધારમણ સ્વામીને ત્યાગી પદથી દૂર કરાયા

અમદાવાદ, તા. ૨૭

વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમપ્રકાશ સ્વામીએ જણાવ્યુ હતું કે, નકલી નોટોનું સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ અને તેમાં સ્વામી રાધારમણની ભૂમિકા સામે આવ્યા બાદ તેમને ત્યાગી પદેથી દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાધારમણ સ્વામીના નકલી નોટોના કૌભાંડમાં સંડોવણી સામે આવ્યા બાદ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

(9:42 pm IST)