Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

નિત્યાનંદ આશ્રમના વધુ ચાર બાળકો હાઇકોર્ટ સમક્ષ રજૂ

બાળકોને ગોંધી રાખવા મુદ્દે વાલીઓની હેબિયસ : સગીર વયના ચાર બાળકોને હાજર કરવા હાઇકોર્ટે હુકમ કરતાં પોલીસ તાબડતોબ બાળકોને લઇ હાઇકોર્ટ પહોંચી

અમદાવાદ, તા.૨૭ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક હેબિયસ કોર્પસની અરજી કરવામાં આવી છે. સગીર વયના ચાર બાળકોને ગોંધી રાખવાના આક્ષેપ સાથે તેમના વાલીઓએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી છે. જેની સામે હાઇકોર્ટે પોલીસને ચારેય બાળકોને કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. જેના અનુસંધાનમાં પોલીસ ચારેય બાળકોને લઇ તાબડતોબ હાઇકોર્ટમાં રજૂ કરવા પહોંચી હતી. બાળકોના નિવેદન નોંધાયા બાદ બાળકોનો કબજો વાલીઓને સોંપાયો હતો. તો બીજી તરફ જનાર્દન શર્માની અરજી મામલે પોલીસે આશ્રમમાં તપાસ હાથ ધરી છે.

                       જિલ્લા શિક્ષણ અધિકારીની યાદી મુજબ, નિત્યાનંદ આશ્રમમાં ૩૭ બાળકો હતા. જે પૈકી ૨૪ બાળકો ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આ બાળકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મલેશિયાના એનઆરઆઇ પરિવારના છે. આજે કેલિફોર્નિયાના એક વાલી પોતાની પુત્રીને લેવા આવ્યા હતા. નિત્યાનંદ આશ્રમના વિવાદ બાદ એક પછી એક બાળકો હવે આશ્રમને અલવિદા કહી રહ્યા છે. વિવાદ બાદ અત્યારસુધીમાં કુલ નવ બાળકોએ આશ્રમ છોડી દીધો છે.  ઉપરોકત ચાર બાળકો વિદેશમાં જન્મ્યા હોવાના પ્રમાણપત્ર તપાસમાં હાથ લાગ્યા હતા. બાળકોના નિવેદન નોંધ્યા બાદ તેઓને તેમના વાલીઓને સોંપાયા હતા.

(8:36 pm IST)