Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ખેડા જિલ્લામાં ચોવીસ કલાકમાં મારામારીના ત્રણ બનાવોમાં પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત: નવ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

ખેડા:જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન મારામારીના ત્રણ બનાવો બન્યાં હતાં. જેમાં કપડવંજ તાલુકાના વેજલપુર અને જલોયા તેમજ ગળતેશ્વર તાલુકાના છીંકારીયા ગામે સામાન્ય પ્રશ્ને થયેલ મારામારીમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવો અંગે પોલીસે કુલ નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના વેજલપુર ગામમાં આવેલ ખાંટવાળુ ફળીયામાં રહેતાં ઈશ્વરભાઈ પ્રભાતભાઈ ખાંટ ગત રવિવારના રોજ રાત્રીના સમયે પોતાના ખેતરમાં ગયાં હતાં. ખેતર તરફ જવાના રસ્તા પર અંધારામાં સામેથી તેમના નાના ભાઈ કેશાભાઈ પ્રભાતભાઈ ખાંટ આવી રહ્યાં હતાં. જો કે અંધારામાં ઓળખ ના થતાં ઈશ્વરભાઈએ તમે કોણ છો તેમ કહી બૂમ પાડી હતી. જેથી સામેથી આવતાં કેશાભાઈએ એકદમ બેટરી ચાલુ કરી ઈશ્વરભાઈ સામે કરતાં તેઓ અંજવાઈ ગયાં હતાં. જેને લઈ બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી કેશાભાઈ પ્રભાતભાઈ ખાંટ, તેમના પત્નિ નિરૂબેન કેશાભાઈ ખાંટ તેમજ ભગાભાઈ તખાભાઈ ઝાલા અને દિનેશભાઈ ફુલાભાઈ ઝાલા ગતરોજ સવારના સમયે ઈશ્વરભાઈના ઘર આગળ જઈ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. ઈશ્વરભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા ચારેય જણાં એ ભેગા મળી ઈશ્વરભાઈને લાકડીથી તેમજ ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી.

(5:33 pm IST)