Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મહેસાણામાં ફળિયામાં કારની સફાઈ કરી રહેલ વૃદ્ધ પર પડોશી શખ્સનો સામાન્ય તકરારમાં જીવલેણ હુમલો: ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

મહેસાણા:શહેરમાં આવેલા ઊંડી ફળીમાં પોતાના ઘર આગળ કારની સફાઇ કરી રહેલા એક ૭૩ વર્ષિય વૃધ્ધ ઉપર પડોશમાં રહેતા શખસે સામાન્ય તકરારમાં હુમલો કરીને ખંજરના ઘા ઝીકી દીધા હતા. જેથી ગંભીરરીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે એ ડીવીજન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે.

બે દિવસ પહેલા રાત્રીના સુમારે મહેસાણા બાયપાસ પાંચોડ સર્કલ પર જમવાના પૈસા ચુકવવાના મુદ્દે સર્જાયેલી તકરારમાં નાનીદાઉના યુવાનની હત્યા થઇ હતી. આ ઘટનાનો પડઘો હજુ શાંત પડયો નથી. ત્યાં મહેસાણાના ઊંડી ફળી વિસ્તારમાં નિવૃત જીવન ગુજારતા એક ૭૩ વર્ષના વયોવૃધ્ધ ઉપર જીવલેણ હુમલો થયો છે. છેલ્લા ઘણા સમયથી પંથકમાં લુખ્ખા તત્વો બેલગામ બન્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર મૂળ મહેસાણાના હાલ અમદાવાદના નારણપુરામાં રહેતા ડાહ્યાભાઇ સોમચંદ સુથાર ઉ.વ.૭૩ ગત તા.૨૨/૧૧/૧૯ના રોજ પોતાની કારમાં પત્નિ સાથે મહેસાણા ઊંડી ફળીમાં આવેલા પોતાના મકાને આવ્યા હતા. અહીં તેઓ ઘર આગળ પડેલી કાર સાફ કરી રહ્યા હતા. તે વખતે ઊંડી ફળી નજીકના ઠાકોરવાસમાં રહેતો વિરસંગ દિવાનજી ઠાકોર આવ્યો હતો. અને ડાહ્યાભાઇને ગાળો બોલી એકાએક કમરમાંથી ખંજર કાઢી તેમના સાંથળ અને ખભાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. 

(5:31 pm IST)