Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અમદાવાદના બોપલ વિસ્‍તારના ખ્યાતનામ તળાવ ગટરના પાણી ભળતા ઓવરફ્લો

અમદાવાદ : આજે અમદાવાદનો બોપલ વિસ્તાર ચર્ચામાં છે. અહીંનું ખ્યાતનામ બોપલ તળાવ ગટરના પાણીથી ઓવરફ્લો થયું છે અને ગાર્ડનના વોકવે સુધી આ પાણી ઘુસી ગયું છે. આ પરિસ્થિતિમાં ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બોપલ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક મહત્વના નિર્ણયને કારણે પણ ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે એએમસીની કારોબારીમાં નવા સીમાંકન વિશે દરખાસ્ત કરવામાં આવી હતી. નવી દરખાસ્ત પ્રમાણે બોપલ-ઘુમા નગરપાલિકાને amc ની હદમાં સમાવવામાં આવશે. હાલમાં આ દરખાસ્ત રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવી છે.

અમદાવાદનો બોપલ વિસ્તાર વધી રહેલા પ્રદૂષણને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં જાહેર થયેલા એક સત્તાવાર આંકડા પ્રમાણે અમદાવાદના કેટલાક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ની સ્થિતિ ભારે ચિંતાજનક છે. આ વિસ્તારના વાતાવરણમાં પ્રદૂષણમાં ભારે વધારો થયો છે. આ આંકડા પ્રમાણે પીરાણાનું AQI 287, રખીયાલનું AQI 241, બોપલનું AQI 256, એરપોર્ટનું AQI 207 અને રાયખડમાં હાલ AQI 209 જોવા મળ્યું છે. આ આંકડાઓ પ્રમાણે પીરાણા, રખિયાલ, બોપલ અને એરપોર્ટ વિસ્તાર પુઅર કેટેગરીમાં આવી ગયું છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) હવા કેટલી ચોખ્ખી છે તે નક્કી કરે છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ નીચો હોય એટલી હવાની ગુણવત્તા સારી હોય છે. 201-300 AQI અતિ બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે અને તમામ વયના લોકો માટે નુકસાનકારક છે. 150 થી ઉપર AQI જાય તો તેને ચિંતાજનક સ્થિતિ કહી શકાય.

(4:53 pm IST)