Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કલ્યાણક વિધાન- માળીઓનું બહુમાનઃ રવિવારે ચાર મુમુક્ષોનો દિક્ષા અવસર

શ્રી લબ્ધિનિધાન જૈન શ્વે.મુ.સંઘ અમદાવાદ ખાતે રંગોત્સવ અવસરે

અમદાવાદઃ મંદિરો, સંતો અને સંસ્કૃતિ એ ભારતની ધરોહર છે. રાજનગરના એક અદ્દભુત શિલ્પસીમા ચિન્હ સ્વરૂપ આ જિનાલયમાં આબુ દેલવાડાના વિશિષ્ટ સ્થંભોનો સમવતાર છે. કુંભારીયાજીની છત છે. તારંગા તીર્થના શિખરોનો વૈભવ જોવા મળે છે. વડનગરના તોરણ સ્થંભોનો આસ્વાદ છે. શિલ્પકલા અને સ્થાપત્યનો અદ્દભુત નજારો છે. જયા અતિ પ્રાચીન વિશિષ્ટ શિલ્પ સંપન્ન શ્રી પાર્શ્વનાથ પરમાત્મા તથા પ્રાયઃ ૧૦૦૦ વર્ષ પ્રાચીન શાશનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન તેમજ ૧૦૦૦ વર્ષ પ્રાચીન શામળા ગિરનારી નેમનાથ પ્રભુ અને મુળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાણ- પ્રતિષ્ઠા થશે.

જૈન એલર્ટ બેન્ડની સંગીતમય સુરાવલી સાથે અનેક ભાવિકો સામૈયામાં જોડાયા હતા. રાજનગર(અમદાવાદ)નું શિલ્પ- સ્થાપત્યનું સીમાચિન્હ રૂપ નજરાણા સમાન જિનાલયમાં પ્રતિષ્ઠા નિમિતે  ગુરૂ ભગવંતો દ્વારા માંગલિક પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ નવકારશી, જવારારોપણ, કુંભ સ્થાપન, અખંડ દીપસ્થાપના, માણેકસ્તંભ- તોરણ સ્થાપના, લઘુ નંદ્યાવર્તપૂજન અને ક્ષેત્રપાલપૂજન આદિ વિધાન કરવામાં આવ્યા. આગલા દિવસે શાસ્ત્રોકત વિધિ મુજબ કુવા પાસે જલવિધાન કરીને કુવમાંથી જલગ્રહણ કરી જલયાત્રા પણ કરવામાં આવી હતી.

બપોરે સાધર્મિક ભકિત બાદ બહેનો  માટે મહેંદીના કાર્યક્રમ તેમજ રાત્રીના સમયે પ્રભુ ભકિતના આયોજનોમાં ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.

આચાર્ય શ્રી રાજયશસૂરી મ.સા.એ માંગલિક ફરમાવ્યું. આ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે આપણી નજર પરમાત્મા પર અનેક વખત પડી છે. પણ હજીય ઠેકાણું પડતું નથી. જો પરમાત્માની નજર આપણા ઉપર પડી જાય તો બધુ જ બદલાઈ જાય.

આચાર્ય શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.એ પ્રભુની કૃપા મેળવવાના ૪ સ્ટેપ બતાવ્યા. જેમાં પ્રભુનો પરિચય થાય, તેની સાથે પ્રેમ થાય, તેમનામાં શ્રધ્ધા જાગે, સમર્પણ આવે... એટલે પ્રભુ કૃપા મળે... પ્રભુ માટે એટેચમેન્ટ નહીં પરંતુ ઈન્વોલમેન્ટ કરવાનું છે. વધુમાં કહ્યું કે, બધુ જ છે પણ માત્ર એક ખોટ છે. અમારા સૈના પૂજયપાદ ગચ્છાધિપતિ સદેહે નથી.

આજે તા.૨૬ના રોજ દેરાસરમાં પુષ્પો આપતા માળીઓનુ બહુમાન કરવામાં આવશે,જયારે તા.૨૭ના રોજ દેરાસરના પુજારીઓનું બહુમાન થશે, તા.૨૮ના રોજ જીવદયાનું કાર્ય કરવામાં આવશે, તા.૨૯ના રોજ જૈન સંઘોની પાઠશાળાના શિક્ષકોનું બહુમાન થશે, તા.૩૦ના રોજ મુમુક્ષુઓ તરફથી બેઠુ વર્ષીદાન દ્વારા સાધાર્મિકોની ભકિત કરવામાં આવશે.

જયારે તા.૧/૧૨ના રોજ આ ભવ્ય મહોત્સવ અંતર્ગત ૪ મુમુક્ષુઓની દીક્ષા થશે. જેમાં પરેશભાઈ મોરખીયા- મુંબઈ (૫૦), દીનાબેન મોરખીયા- મુંબઈ (૩૯), નશીથકુમાર દોશી- મુંબઈ (૧૯) તથા સોનલબેન લુકકડ- હેદ્રાબાદ (૨૭) સંયમ માર્ગ અંગીકાર કરશે.

તા.૨ના રોજ પરમાત્માની પ્રતિષ્ઠા થશે. આ મહોત્સવ ભાવિકોની શ્રધ્ધા, સમર્પણ અને સંસ્કૃતિને રજુ કરતુ. અલૌકિક, દિવ્ય આયોજન બની રહેશે. વધુ માહિતી માટે સંપર્ક કર્તવ્યભાઈ (મો.૯૮૯૮૨ ૮૦૦૭૭) તથા રાકેશભાઈ (મો.૯૮૨૫૪ ૪૦૦૪૪)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:44 pm IST)