Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હોંગકોંગનો વિદ્રોહ અને લાંબા સમયથી ચાલતા આંદોલનના કારણે સુરતના ડાયમંડ બિઝનેસ ઉપર પડેલો મંદીનો ઓછાયો વધારે ગાઢ બન્યો

સુરત : સુરતના ડાયમંડ બિઝનેસ પર પડેલો મંદીનો ઓછાયો વધારે ગાઢ બન્યો છે. હીરાના વેપારીઓને આ વર્ષે તહેવારોની મંદી પછી ક્રિસમસમાં થોડા બિઝનેસની આશા હતી પણ હવે એના પર પાણી ફરી વળ્યું છે. હાલમાં સુરતમાં માત્ર 10થી 20 ટકા જ ડાયમંડ બિઝનેસ થઈ શક્યો છે જેનું કારણ છે હોંગકોંગનો વિદ્રોહ. હોંગકોંગમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને કારણે કેટલાક મહિનાઓથી અનેક ઉદ્યોગ ઠપ પડ્યા છે અને એની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે.

સુરતના ડાયમંડ માર્કેટનું સૌથી મોટું માર્કેટ ચીન અને હોંગકોંગ માનવામાં આવે છે. જોકે હોંગકોંગમાં આંદોલનકારીઓ દ્વારા ચાલી રહેલા સતત વિદ્રોહને પગલે ચીન અને હોંગકોંગમાં બિઝનેસ માટે અસ્થિર માહોલ છે. આ સંજોગોમાં સુરતના ડાયમંડ ઉદ્યોગને હોંગકોંગથી કોઈ ઓર્ડર નથી મળ્યો. આમ, સુરતના ડાયમંડ વેપારીઓને હોંગકોંગના આંદોલનથી ભારે નુકસાન થયું છે. સુરતમાંથી હોગકોંગ અને ચીન એક્સપોર્ટ થનારા પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરે છે અને આ ખરીદી પર હવે બ્રેક લાગી ગયો છે. સુરત પાસેથી અમેરિકા, ચીન અને હોંગકોંગ પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરી છે. પહેલાં અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોરને કારણે અને પછી હોંગકોંગના વિવાદને કારણે સુરતના હીરાના વેપારીઓને ડબલ માર પડ્યો છે.

હાલમાં સુરતના હીરાના વેપારીઓની હાલત બહુ ખરાબ છે. ઓછી ડિમાન્ડને કારણે દિવાળી વેકેશન પછી પણ 50 ટકા હીરાના કારખાના હજી નથી ખુલ્યા. છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યામાં હીરાઘસુઓ બેરોજગાર થઈ ગયા છે અને અન્ય રોજગાર તરફ વળી રહ્યા છે.

(4:55 pm IST)