Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુરતમાં ફુટપાથ ઉપર પરિવાર સાથે સુતેલી ૩ વર્ષની બાળાનું અપહરણઃ CCTV ફુટેજમાં એક મહિલા જોવા મળી

સુરત: સુરતમાં ફુટપાથ પર પરિવાર સાથે સુઈ રહેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલામાં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો અને પ્રારંભિક તપાસમાં આ બાળકીને લઈ જતી એક મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે મૂળ મહેસાણાનો વતની પપ્પુ ધનજીભાઈ દેવીપૂજક (ઉ.વ.26) સુરતમાં વરાછા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે ગોવર્ધનનાથજી હવેલી પાસે ફૂટપાથ ઉપર પત્ની સુશીલા, પુત્ર રવિ (ઉ.વ.7) અને પુત્રી પૂજા (ઉ.વ.3) સાથે રહે છે અને ભંગારની ફેરી મારવાનું કામ કરે છે. ગતરાત્રે પરિવાર જમીને ફૂટપાથ ઉપર સુઈ ગયું હતું. દરમિયાન, મળસ્કે પાંચ વાગ્યે પુત્ર રવિને ભૂખ લાગતાં પપ્પુ અને તેની પત્ની જાગ્યા તે સમયે પૂજા નજરે ચઢી ન હતી. લગભગ ચાર વાગ્યે પૂજા જાગતાં તેને માતા સુશીલાએ બિસ્કીટ અને પાણી આપ્યા હતા. તેના ગણતરીના સમયમાં તે ગાયબ થઇ જતાં પપ્પુએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બાળકીની ભાળ મળી ન હતી.

આ ઘટના પછી પિતા પપ્પુએ તેના ગુમ થયાની જાણ વરાછા પોલીસ મથકમાં કરતાં પોલીસે બાળકીના અપહરણની આશંકાને પગલે તપાસ શરૂ કરી હતી. પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ મળવતા એક મહિલા પૂજાને લઇ જતી જોવા મળી હતી. પોલીસને તેની ઓળખ મેળવવા ત્યાં સુતા લોકોની પુછપરછ હાથ ધરી હતી.

(4:53 pm IST)