Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

લાજપોર મધ્યસ્થ જેલમાં ઠગાઇ કેસના ત્રણ આરોપીઓને ઝાડ સાથે બાથ ભીડાવી હવાલદારે માર માર્યાની ફરિયાદ

બિલ્ડર વિરૃધ્ધ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ખોટી જુબાની આપવા માટે દબાણ

સુરત : લાજપોર મધ્યસ્થ જેલમાં ઠગાઇ કેસમાં કેદ ત્રણ આરોપીઓને કામરેજ પોલીસ મથકમાં બિલ્ડર વિરૃધ્ધ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ખોટી જુબાની આપવા માટે દબાણ કરી પરિવાર સાથે જાનથી મારી નાંખવાની ધાક-ધમકી આપી ઝાડ સાથે બાથ ભીડાવી માર માર્યાની ફરિયાદ જેલ હવાલદાર વિરૃધ્ધ નોંધાઇ છે.

આ  ચોંકાવનારી અને ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. જે મુજબ કામરેજ તાલુકાના મેપલ વિલાના 12 પ્લોટના અસલ દસ્તાવેજો ગુમ થવાના મુદ્દે બિલ્ડર નિલેષ નારણ વણપરીયા એ ઉમરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મહેશકુમાર ઘનજી સુતરીયા મહેશ મુંગલપરા અને વિપુલ ડોબરીયાની ગત તા. 22 ઓગષ્ટના રોજ ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.

  આ ત્રણ પૈકીના એક કેદી મહેશ સુતરીયાની બેરેક પાસે બે જેલ સિપાહી ગયા હતા અને એક ચિટ્ટી વાંચતા કહ્યું હતું કે મહેશ સુતરીયા કોણ છે ? તે નિલેશનું ચિટીંગ કર્યું છે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નિલેશ વિરૃધ્ધ 307 (હત્યાનો પ્રયાસ) ના ગુનો નોંધાયેલો છે તે ગુનામાં તું સાક્ષી કેમ બને છે આજે તને જોઇ લઉં છું. ત્યાર બાદ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મહેશને બેરેકમાંથી બહાર કાઢી ચોકડી નંબર 10 પાસે લઇ ગયા હતા.

 જયાં જેલ હવાલદાર પી.એમ. પટેલ ઉર્ફે પાસા દાદાએ બદામના ઝાડ સાથે બંન્ને હાથ વડે બાથ ભીડાવી થાપાના ભાગે મહેશને દંડા વડે માર માર્યો હતો અને કહ્યું હતું કે 307 વાળા કેસમાં તુ કેમ સાક્ષી બને છે. તું સાક્ષી બનશે તો જાનથી મારી નાંખીશ. જેલમાં પાંચ-દસ હજાર વાળા લુખ્ખા ભૈયાભાઇ બહુ છે તું બહાર નીકળશે એટલે તને અને તારા પરિવારને ઘરે આવીને મારી નાંખશે અને કોઇને ખબર પણ નહિ પડશે. તું શોર્ટકટમાં સમજી જા અને તું કોર્ટમાં એવું બોલજે કે તલવાર નિલેશભાઇએ નથી મારી પરંતુ મહેશભાઇએ નિલેશભાઇને મારી છે. તો હું તને કંઇ નહિ કરીશ એમ કહી જવા દીધો હતો.

 આ જ રીતે જેલ હવાલદારે પાસાદાદાએ પોતાની ગુંદાગીરીનો પરચો મહેશ સુતરીયાના બે સાથી આરોપી મહેશ મુંગલપરા અને વિપુલ ડોબરીયાને પણ આપ્યો હતો અને માર માર્યો હતો. પાસા દાદાના મારથી મહેશ સુતરીયાને સોજો આવી જતા તેણે જેલરને ફરિયાદ કરી હતી અને તેની સારવાર પણ કરાવવામાં આવી હતી

(12:36 pm IST)